- ગાયત્રી ચેતના કેન્દ્રનો પ્રાણપ્રતિષ્ઠા દ્વિતિય વાર્ષિકોત્સવ ઉજવાશે
- ઘરે રહીને કરાશે વાર્ષિકોત્સવની ઉજવણી
- ચોવીસ ગામોના ગાયત્રી ઉપાસકો વાર્ષિકોત્સવ ઉજવશે
મોડાસા: સમગ્ર માનવીઓ સ્વાસ્થ્યની વિકટ પરિસ્થિતિઓ સામે બચાવ માટે પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની પ્રાણપ્રતિષ્ઠાનો દ્વિતિય વાર્ષિકોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જેમાં ઘર પર રહી વિશેષ સાધના કરી ચોવીસ ગામોના ગાયત્રી ઉપાસકો વાર્ષિકોત્સવ ઉજવશે. બે વર્ષ અગાઉ થયેલા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણીની સ્મૃતિઓ તાજી કરી હરિદ્વારથી ડૉ.ચિન્મય પંડ્યાજીએ શુભકામનાઓ પાઠવી હતી.
હાલની પરિસ્થિતિ અને નિયમો અનુસાર વાર્ષિકોત્સવનો સામૂહિક કાર્યક્રમ સંભવ ન હોવાથી આ વખતે ઘર પર જ રહી સાધકો તારીખ 23 થી 30 નવેમ્બર દરમિયાન પ્રાણપ્રતિષ્ઠા વાર્ષિકોત્સવ સાધના સપ્તાહની ઉજવણી કરશે. જેમાં મોડાસા તેમજ આસપાસના ચોવીસ ગામોના સાધકો જોડાશે.
સાધક પોતાના ઘરે યજ્ઞ કરી પૂર્ણાહુતિ કરશે
મોડાસા ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારા માહિતી આપતા જણાવ્યું કે,સૌના સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્ય માટે તથા ગાયત્રી ચેતના કેન્દ્રમાં પવિત્રતા-દિવ્યતામાં વૃદ્ધિ થાય એવા ભાવ સંકલ્પ સાથે આઠ દિવસ સુધી ગાયત્રી મહામંત્રની વિશેષ સાધના અને પ્રાર્થના કરવામાં આવશે. દેવ દિવાળીના દિવસે સ્વયં દરેક સાધક પોતાના ઘરે યજ્ઞ કરી વિશેષ ઔષધીય જડી બુટ્ટીઓની આહુતિ આપી પૂર્ણાહુતિ કરશે.
બે વર્ષ અગાઉ ડૉ. ચિન્મય પંડ્યાજીની હાજરીમાં થઈ હતી ભવ્ય ઉજવણી
હરિદ્વાર ખાતેની દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલયના ઉપકુલપતિ ડૉ. ચિન્મય પંડ્યાજીની ઉપસ્થિતિમાં બે વર્ષ અગાઉ નવેમ્બર 2018માં પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી . જેની સ્મૃતિઓ તેઓએ યાદ કરી મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્રને આદર્શ જન જાગૃતિનું કેન્દ્ર ગણાવ્યુ હતું.