- ધનસુરામાં એક વર્ષ પૂર્વે ઇલોક્ટ્રોનિક્સના શો-રૂમમાં થઇ હતી ચોરી
- ચોરીના ગુનામાં સંડોવાયેલા 2 આરોપી ઝડપાયા
- એક વર્ષ પૂર્વે થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો
અરવલ્લીઃ જિલ્લાના ધનસુરામાં એક વર્ષ પૂર્વે ઇલોક્ટ્રોનિક્સના શો-રૂમમાં ઇલેક્ટ્રોનિક્સ માલસામાનની ચોરી થઇ હતી. પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ધનસુરાના બે યુવકોને ઝડપી પાડ્યા હતા. આ સાથે જ પોલીસે ચોરી કરેલા મુદ્દામાલ પણ રીકવર કરી એક વર્ષ પૂર્વે થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.
પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા તસ્કરોએ ગુનાની કબુલાત કરી
અરવલ્લી જિલ્લાના ધનસુરામાં એક વર્ષ પૂર્વે જવાહર બજારમાં આવેલા સન્ની ઇલેક્ટ્રોનિક્સમાં ચોરી થઇ હતી. આ ગુનાની તપાસ ધનસુરા પોલીસે કરી હતી. જોકે બનાવને ઘણો લાંબો સમય થયો હોવાથી હવે તસ્કરો ધનસુરામાં બિન્દાસ્ત ફરી રહ્યા હતા. ધનસુરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નગરના બસ સ્ટેશન નજીક બે શંકાસ્પદ યુવાનો લટાર મારતા જોવા મળ્યા હતા. પોલીસે બન્નેની પુછપરછ કરતા તેમના જવાબો શંકાસ્પદ જણાયા હતા. જેથી પોલીસે મનીષ પ્રવીણભાઈ વાળંદ અને વિક્રમ દીપકભાઈ રાવળની આગવી ઢબે પૂછપરછ કરતા બંને આરોપીઓએ એક વર્ષ પૂર્વે ધનસુરાના જવાહર બજારમાં આવેલી સન્ની ઇલેક્ટ્રોનિક નામની દુકાનમાં ઉપરના ભાગેથી પતરું કાપી દુકાનમાં ઉતરી દુકાનમાંથી ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે ચોરીનો મુદ્દામાલ રીકવર કરી બંને તસ્કરોને જેલના હવાલે કર્યા હતા.
લોકોમાં ફીટકારની લાગણી
બન્ને ચોર ધનસુરાના હોવાથી નગરમાં જ ચોરીની ઘટનાને અંજામ આપી હોવાની વાત બહાર આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. પોલીસે આ અંગે વધુ કાર્યવાહી હાથધરી હતી.