અરવલ્લીઃ જિલ્લાના મેઘરજની બરોડા ગુજરાત ગ્રામીણ બેન્કમાં ફરજ બજાવતા બેંક મેનેજર દિવ્યાંગ જાનીને આરોગ્ય તંત્ર દ્વારા હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જોકે તેઓ ફરાર થઇ જતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું.
શુક્રવારના રોજ આ મેનજરને પોલીસે ઝડપી પાડી ફરી હોમ ક્વોરન્ટાઇન કર્યા હતા. આ ઉપરાંત તેમની વિરૂદ્વ મેઘરજ પોલીસ સ્ટેશનમાં દ એપેડેમિક ડિસીઝ એકટ હેઠળ ફરિયાદ પણ નોંધવામાં આવી છે .
મળતી માહિતી અનુસાર , મેઘરજ બરોડા ગ્રામીણ બેંકના મેનેજર 23 માર્ચથી અમદાવાદ હતા અને તેએ મંગળવારે મેઘરજ બરોડા ગ્રામીણ બેંકમાં ફરજ પર હાજર થયા હતા.
આ અંગેની જાણ આરોગ્ય વિભાગને થતા તેમની આરોગ્ય તપાસ કરી, હોમ ક્વોરેન્ટાઇન અંગેની સૂચાના આપી તેમના ઘરની બહાર સંસર્ગ નિષેધની નોટિસ લગાવી હતી. આ ઉપરાંત તાકીદ કરવામાં આવી હતી કે, તેમણે ફરજિયાતપણે નિયમનો પાલન કરી ઘરમાં રહેવાનું છે. જો કે, ગુરુવારે સવારે બેંક મેનેજર હોમ ક્વોરેન્ટાઇનનો ભંગ કરી ઘરે તાળું મારી ફરાર થઇ જતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી.