સરકાર દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વિવિધ લોનની જાહેરાત કરવામાં આવે છે. પણ હકીકતમાં આ તમામ વાતો માત્ર કાગળ સુધી જ સિમિત રહી છે. કારણ કે, જ્યારે લોકો લોન લેવા માટે બેન્કમાં જાય છે ત્યારે બેન્ક અવનવા નિયમો બતાવીને વિદ્યાર્થીઓને લોન આપવાની આનાકાની કરે છે. આવો જ એક કિસ્સો અરવલ્લીના મોડાસામાં જોવા મળ્યો છે.
અરવલ્લીના સંતોષ દેવકરે પોતાના પુત્ર મનન દેવકરને ઉચ્ચ અભ્યાસ માટે ફિલિપાઇન્સ એડમિશન કરાવ્યું છે. જેની માટે પંજાબ નેશનલ બેન્કમાંથી સ્ટુડન્ટ લોન લીધી હતી. લોનનો પ્રથમ હપ્તો પણ અપાઇ ગયો હતો. ત્યારે બેન્કે સંતોષ દેવકરને અચાનક લોન આપવાની મનાઇ કરતાં તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
આમ, પંજાબ બેન્કે અચાનક લોન આપવાની મનાઈ કરી હોવાથી દેવકર પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. તેઓ વારંવાર બેન્કમાં પોતાના બાળકના અભ્યાસ માટે લોનની અરજી કરી રહ્યાં છે. તો બેન્ક પણ પોતાના નિયમોના ઝંડો લઇને લોન આપવાનું નકારી રહી છે. ત્યારે દેવકર પરિવાર સરકારની પોકળ વાતોનું ખંડન કરતાં પોતાનો રોષ ઠાલવી રહ્યો છે.