- કોરોનાની બીજી લહેરમાં કોરોના ટેસ્ટિંગ પર ભારણ
- રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં ટેસ્ટિંગ કિટ ખૂટી
- ટેસ્ટ કરાવ્યા વગર પાછા જતા લોકો સંક્રમણ ફેલાવી શકે
મોડાસા: કોરોના સંક્રમણનો બીજો તબક્કો વધુ ઘાતકી સાબિત થઈ રહ્યો છે. વડાપ્રધાને ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ભારણ મૂક્યું છે. તેમ છતાં અરવલ્લી જિલ્લામાં રેપિડ ટેસ્ટ કિટ ખૂટી પડતી હોવાની બૂમો પડી રહી છે. એક તરફ પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોનાની બીજી લહેરમાં રેપિડ ટેસ્ટ કિટ ખૂટી પડતા મોડાસા PHC ખાતેથી રોજ 100થી વધુ લોકોને ટેસ્ટ કરાવ્યા વિના પાછું ફરવુ પડે છે.
સંક્રમણ વધવાની શક્યતા વધારે
રેપિડ ટેસ્ટ કરાવ્યા બાદ ખબર પડી જતી હોય છે કે કરાવનારા વ્યક્તિને કોરોના છે કેમ? જોકે, કોરોના મહામારીના બીજા તબક્કામાં હાલ રેપિડ ટેસ્ટ કિટ ખૂટી પડી હોવાથી ટેસ્ટ કરાવવામાં નિષ્ફળ ગયેલા લોકો જાહેરમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ લોકો પૈકી સંખ્યાબંધ લોકો સંક્રમિત હોવાની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. આ વચ્ચે ટેસ્ટ ન થવાથી તેમને સારવાર મળવામાં પણ વિલંબ થાય છે અને તેઓ જાહેરમાં ફરતા અન્ય લોકોમાં પણ સંક્રમણ ફેલાવે તેવી ભિતી સેવાઈ રહી છે.