- ઘેટા બકરાં ચરવાતો જોવા મળ્યો હતો સગીર
- માત્ર 7,000માં વેચ્યો પોતાના પુત્રને
- અગમ ફાઉન્ડેશને સગીરને કરાવ્યો મુક્ત
અરવલ્લી: માબાપ માટે બાળક પોતાના જીવ કરતા પણ વધારે વહાલું હોય છે, પરંતુ અરવલ્લી જિલ્લાના મોડાસાના ખંભીસર ગામે આવી જ એક ઘટના સામે આવી છે કે, લોક ડાઉનના પગલે રોજગાર છીનવાતા પેટની આંતરડીને ઠારવા એક મા-બાપે પોતાના દસ વર્ષિય દીકરાને માત્ર સાત હજાર રૂપિયામાં વેંચી દીધો હતો. જિલ્લાના માલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરતા શ્રમીક પરીવારને કોરોના સંક્રમણમાં ખાવાનાં ફાંફા પડયા હતા. પેટનો ખાડો પુરવા ત્રણ સંતાનોની માતાએ પોતાના એક સંતાનને મોડાસાના ખંભીસર નજીક માલધારીઓને વેંચી દીધો હતો.
આ પણ વાંચો: માનવ અધિકાર દિવસઃ 72મી એનિવર્સરી, વધુ સારી રીતે સ્વસ્થ બનો અને માનવ અધિકારો માટે અવાજ ઉઠાવો
NGO દ્રારા બાળકને રેસ્ક્યુ કરવામાં આવ્યું
ખંભીસરમાં છેલ્લા કેટલાક સમયથી સગીર ઘેટા બકરાં ચરવાતો જોવા મળતા અગમ ફાઉન્ડેશનના પ્રમુખે તેની પૂછપરછ કરી ત્યારે તેમને પણ આશ્વર્ય થયું. સગીરે જણાવ્યુ કે, તેને તેના માતા પિતાએ ૭ હજારમાં માલધારીઓને વેચી દીધો છે. અગમ ફાઉન્ડેશનનાં હેતલ પંડ્યાએ સગીરને રેસ્ક્યુ કરી જિલ્લા બાળ સુરક્ષાને જાણ કરી હતી.
બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે
હાલ બાળ સુરક્ષા એકમ દ્વારા માતા પિતાની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જો શક્ય હશે તો સરકારની યોજનાનો લાભ આપી બાળકનું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે તેવુ જણાવ્યુ હતું.