અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકાના હફસાબાદના ખેડૂત નટુભાઇ પોતાની માત્ર દોઢ હેક્ટર જમીનમાં રસાયણનો ઉપયોગ કરી ખેતી કરતા હતા. જોકે રાસાયણિક ખાતર અને દવાઓ પાછળ ખૂબ ખર્ચ કર્યા પછી છેલ્લે સરવાળે શુન્ય જેવી સ્થિતિ સર્જાતી હતી. જેથી છેલ્લા ચાર વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરી ઓર્ગેનિક શાકભાજી અને ઘંઉના પાકથી વાર્ષિક રૂપિયા 3 લાખની કમાણી કરે છે.
ઘરની ગાય અને તેના છાણ-મૂત્રમાંથી જ ઝીરો બજેટથી ખાતરનું ઉત્પાદન થાય છે. પોતાના જીવનમાં આવેલા પરીવર્તનની વાત કરતા નટુભાઇ કહ્યું કે, આત્મા પ્રોજેક્ટની ખેતી શિબિરમાં જોડાયા બાદ ખેતીની નવીન પધ્ધતિ વિષે જાણકારી મેળવી, પરંતુ તેમને રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ કરતા તેમને પ્રાકૃતિક ખેતીમાં વધારે રસ હતો. જેથી તેમને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીની વડતાલ શિબિરમાં જીવામૃત અને ધનજીવામૃતનો વપરાશ દ્વારા જીરો બજેટથી વધુ આવક કઇ રીતે મેળવી શકાય તેની દિશા મળી હતી. તેમણે શરૂઆતમાં દેશી ગાય રાખી અને તેના છાણ-મૂત્ર અને માટી, સૂંઠ, ગોળ, ચણાનો લોટ સહિત ઘરેલુ વપરાશ વસ્તુઓ દ્વારા જીવામૃત બનાવ્યું, જેમાં થોડીક સફળતા મળી પણ પ્રથમ વર્ષે ઉત્પાદન કઇ ખાસ ન મળ્યું.
ખેડૂત નટુભાઇ ધીમે ધીમે સુભાષ પાલેકરની તમામ ખેતી શિબિરમાં જોડાતા ગયા અને તેની પધ્ધતિની જાણકારી મેળવી અને હવે પાલેકર પધ્ધતિથી બ્રહ્માસ્ત્ર અને અગ્નિહસ્ત્ર પધ્ધતિથી જીવામૃત તેમજ ઘનજીવામૃત દવાનો છંટકાવ કરી રહ્યાં છે. તેમણે મોડાસા આસપાસના વિસ્તારોમાં શાકભાજીની માગ વધારે હોવાથી ફૂલાવર, કોબીઝ, ભીંડા, દૂધી અને કારેલાની ખેતી શરૂ કરી અને તેમાં ઉત્પાદન શરૂ કર્યું. આ ઉપરાંત તેમણે આસપાસમાં વરસાદી ખેતી પર આધારીત ખાલી પડી રહેલા પાંચ હેક્ટર જમીનના ખેતરો ભાડ્ડાપેટ્ટે રાખી ઓર્ગેનિક ઘંઉનું વાવેતર શરૂ કર્યુ, જેમાંથી 100 મણથી વધુ ઘંઉનું ઉત્પાદન થયું. જેનો બજાર ભાવ કરતા બમણા ભાવે વેચાણ કર્યું. તેમના વાવેતરની મહેંક આસપાસના વિસ્તારોમાં પણ પ્રસરતા ચાલુ વર્ષે લોકોએ 100 મણથી વધુના ઘંઉનું બુંકિગ પણ કરાવ્યુ છે.
તેમની ખેતીથી પ્રેરાઇને આસપાસના ગ્રામજનો ખેડૂતોએ પાલેકર ખેતી તરફ પ્રયાણ કર્યું છે. જેમને આ વિષે સમજ ન હતી તેવા ખેડૂતોને નટુભાઇએ વિનામૂલ્યે તાલીમ પણ આપી હતી. તેઓએ અત્યાર સુધી જિલ્લાના 700થી વધુ ખેડૂતોને પાલેકર ખેતી વિષે તાલીમબદ્ધ કર્યા છે.
આત્મા પ્રોજેક્ટના તાલુકા પ્રમુખ અને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીના તાલુકા કન્વીનર નટુભાઇને રાજ્યપાલ દેવવ્રતે દાંતીવાડા ખાતે વિશેષ સન્માન કરી તેમની ખેતી પધ્ધતિને બિરદાવી છે. તેઓ અત્યાર સુધી પાલેકર પધ્ધતિની જાણકારી મેળવવા મહારાષ્ટ્ર, દિલ્હી અને અન્ય રાજયોના પ્રવાસ પણ ખેડી ચુક્યા છે. જો નટુભાઇની જેમ તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તો સફળતાના દ્વાર ખુલી શકે છે.