- અરવલ્લીના મોડાસા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
- 25 જાન્યુઆરીના રોજ મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે
- કલેકટર કચેરી સભાખંડમાં 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
અરવલ્લી: વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશની લોકશાહીને મજ્બૂત બનાવવા વર્તમાન સમયમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી નિષ્પક્ષ રીતે મતદાન કરે તે ખુબ જરૂરી છે. આ માટે દર વર્ષે તેમણે તમામ લાયક વ્યક્તિઓ પોતાના નામ મતદારયાદીમાં નામ નોંધાવે તે ખાસ સૂચન કર્યુ હતું. 25 જાન્યુઆરીના રોજ મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કલેકટર અમૃતેશ ઔરંગાબાદકરની અધ્યક્ષતામાં કલેકટર કચેરી સભાખંડમાં 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
લોભ, લાલચ અને ભય વિના મતદારો તટસ્થ રીતે અચૂક મતદાન કરે તેવી કલેક્ટરે અપીલ કરી
અરવલ્લી જિલ્લામાં 11મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી પ્રસંગે ક્લેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે લોકશાહી મજબૂત બનાવવા સૌ મતદાતાને મતદાન કરવા માટેની અપીલ કરતા જણાવ્યું હતું કે, ભારતનુ લોકતંત્ર દરેક મતદારને પોતાની પસંદગીના પ્રતિનિધિ ચૂંટવાની સમાન તક આપે છે તેથી નાગરિકોએ પોતની નૈતિક ફરજ સમજી લોભ, લાલચ અને ભય વિના તટસ્થ રીતે અચૂક મતદાન કરી લોકશાહીના જતન માટે અમુલ્ય યોગદાન આપવુ જોઇએ. તેમણે વધુમાં જણાવ્યું કે, તા. 25 જાન્યુઆરી 2021ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઇન ચૂંટણી કાર્ડ જનરેટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે મોબાઇલ એપ્લીકેશન મારફત ઇ-એપીક ડાઉનલોડ કરી શકાશે.
નવા મતદારો ઉપસ્થિત રહ્યા
આ પ્રસંગે નવા મતદારોનું તથા ચુંટણીલક્ષી કામગીરી સારી કરનાર કર્મીઓનું અને કેમ્પસ એમ્બેસેડરનું પણ સન્માન કરાયું હતુ. ઉપસ્થિત સૌએ એક જવાબદાર મતદાર તરીકે પોતાની ફરજ અદા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઇલાબેન આહિર, પ્રાંત અધિકારી મંયક પટેલ, મામલતદાર ગઢવી સહિત નવા મતદારો, સેવા મતદારો, બીએલઓ સહિત ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.