- કોરોનાની ગાઇડલાઇન મુજબ તાજીયાનું જુલૂસ આ વખતે રદ કરાયું
- જાયરીનની જીયારાત માટે તાજીયા એક જ સ્થળે રાખવામાં આવ્યા
- હિન્દુ-મુસ્લિમ ભાઈચારાની મિસાલ આપવામાં આવી
મોડાસા : ઇસ્લામિક કેલેન્ડર મુજબ મોહરમ માસની દસમી તારીખે કરબલાના શહીદોની સ્મૃતિમાં શોક મનાવવામાં આવે છે. આ દિવસે લોકો તાજીયાની જિયારત કરી મન્નત રાખે છે. સામાન્ય સંજોગોમાં મોડાસામાં તાજીયા ચોક્કસ રૂટ પર જિયારત માટે કાઢવામાં આવે છે, પરંતુ કોરોનાની ગાઇડલાઇન મુજબ આ વખતે એક જ સ્થળે રાખવામાં આવ્યા હતા.
સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે તાજીયામાં જિયારત
મોહરમના દિવસે કરબલાના શહીદોની યાદમાં મુસ્લિમ બિરાદરો ઉપવાસ રાખે છે, કરબલામાં અધર્મ સામે લડતા લડતા શહીદ થયેલા શહીદો પાણી માટે તરસ્યા હતા, જેની સ્મૃતિમાં કેટલાક લોકો ઠંડુ પાણી, શરબત, દૂધની વાનગી બનાવીને દાન કરી પુણ્ય કરે છે, તેમજ હજરત ઇમામ હુસેનની યાદમાં તાજીયા બનાવીને ભવ્ય રીતે તેને શણગારીને જુલૂસ કાઢવામાં આવે છે. જો કે કોરોનાની ગાઇડલાઇનને ધ્યાને રાખીને તાજીયાનું જુલુસ આ વખતે રદ કરવામાં આવ્યું છે. જાયરીનની જિયારત માટે તાજીયા એક જ સ્થળે રાખવામાં આવ્યા છે, જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન સાથે શ્રદ્ધાળુઓએ જિયારત કરી હતી.
મુસ્લિમ-હિન્દુ કોમી એકતાનો સંદેશો
મોડાસા નગરમાં વર્ષોથી મોહરમના દિવસે કલાત્મક ઝરીથી તાજીયા બનાવવામાં આવે છે. નગરના કસ્બા વિસ્તારમાં મોહરમના બે અઠવાડિયા અગાઉથી તાજીયાની તૈયારીઓ કરવામાં આવે છે. મુસ્લિમોની સાથે હિન્દુઓ પણ તાજીયામાં પોતાની માનતા ચડાવી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે.