- ધારાસભ્યએ સાયકલ પર ગેસનો બાટલો બાંધીને ઇંધણના ભાવ વધારાનો વિરોધ કર્યો
- બાટલો બાંધી ધોમધખતા તાપમાં લગભગ 5થી 7 KM ચલાવે છેે સાયકલ
- બાયડ-માલપુર ધારાસભ્ય જશુભાઇ પટેલે અનોખો પ્રયાસ કર્યો
અરવલ્લી : અનલોક 1 બાદ પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસના ભાવ સતત વધારો થઇ રહ્યો છે. જેમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તો રોજ વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવે સદી પણ વટાવી દીધી છે, ત્યારે મોંધવારીના ખપ્પરમાં સામાન્ય માણસ પીસાઇ રહ્યો છે. આ વેદનાને વાચા આપવા અરવલ્લી જિલ્લાના બાયડ-માલપુર વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જશુભાઇ પટેલે અનોખો પ્રયાસ કર્યો છે. તેમને સાયકલના કેરીયર પર બાટલો બાંધી બપોરના 12 વાગ્યાના તાપમાં લગભગ 5થી 7 KM સાયકલ ચલાવી સરકારને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો, કે બસ હવે બહુ થયું. આ અંગે ETV BHARATએ જશુભાઇ સાથે ખાસ વાતચીત કરી હતી.
કોંગ્રેસ લડે છે મોંઘવારી અને બેરોજગારી મુદ્દે ભાજપ લડે છે ધાક ધમકી અને પૈસાથી - ધારાસભ્ય
આ અગાઉ પણ મોંઘવારી અને અન્ય મુદ્દાઓને લઇને બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલે અનોખો વિરોધ કર્યો છે, ત્યારે સાયકલ પર ગેસની બોટલ બાંધીને નીકળેલા ધારાસભ્યને લોકો પણ બે ઘડી જોઇ રહ્યાં હતાં. મોડાસા નગરના વિવિધ વિસ્તારોમાં ફરીને સિલિન્ડર પર વિવિધ બેનેર લગાવ્યા હતા. જેમાં લખ્યું હતું કે, કોંગ્રેસ લડે છે મોંઘવારી અને બેરોજગારી મુદ્દે, ભાજપ લડે છે ધાકધમકી અને પૈસાથી.
![જશુભાઇ પટેલ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-arl-01-fuel-hike-one-to-ons-exclusive-gj10013_21022021154717_2102f_1613902637_181.jpg)