અરવલ્લી : કોરોના વાઇરસ ફેલાવાનો ખતરો વિશ્વ માથે તોળાઇ રહ્યો છે. ત્યારે ગરીબ અભણ લોકોથી ભુલ થઇ જાય છે પરંતુ શિક્ષિત લોકો પણ આ બાબતે ગંભીરતા દાખવતા નથી. અરવલ્લી જિલ્લાના મેઘરજની બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં ફરજ બજાવતા બેંક મેનેજરને આરોગ્ય તંત્ર દ્વારા હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. જોકે તેઓ ફરાર થઇ જતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
મળતી માહિતી અનુસાર , મેઘરજ બરોડા ગ્રામીણ બેંકના મેનેજર 23 માર્ચથી અમદાવાદ હતા અને તેએ મંગળવારે મેઘરજ બરોડા ગ્રામીણ બેંકમાં ફરજ પર હાજર થયા હતા. આ અંગેની જાણ આરોગ્ય વિભાગને થતા તેમની આરોગ્ય તપાસ કરી, હોમ કોરન્ટાઈન અંગેની સૂચાના આપી તેમના ઘરની બહાર સંસર્ગ નિષેધની નોટિસ લગાવી હતી. આ ઉપરાંત તાકીદ કરવામાં આવી હતી કે, તેમણે ફરજિયાત પણે નિયમનો પાલન કરી ઘરમાં રહેવાનું છે. જો કે ગુરુવારે સવારે બેંક મેનેજર હોમ ક્વોરેન્ટાઇનનો ભંગ કરી ઘરે તાળું મારી ફરાર થઇ જતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી હતી.
આરોગ્ય વિભાગે બેંક સહીત સંભવિત સ્થળે તપાસ કરવા છતાં બેંક મેનેજર મળી ન આવતા આરોગ્ય અધિકારીએ બરોડા ગ્રામીણ બેંકના મેનેજર સામે ધી એપેડેમિક ડિસીઝ એકટ હેઠળ તથા બીજી કલમો હેઠળ ગુન્હો નોંધાવવા તજવીજ હાથધરી હતી.