અરવલ્લી: હાલમાં સૌના સ્વાસ્થ્ય સુરક્ષા હેતુ લોકડાઉનના સમય દરમિયાન દરેક વ્યક્તિ અટવાઈ છે કે, સમય કેવી રીતે પસાર કરવો ત્યારે મોડાસા ગાયત્રી પરિવારના અગ્રણી હરેશભાઈ કંસારાએ આપેલ માહિતી અનુસાર, અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, શાંતિકુંજ, હરિદ્વારના નિર્દેશ અનુસાર મોડાસા ગાયત્રી પરિવારના પરિજનો પોત પોતાની રીતે એકાંતમાં સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરી યજ્ઞ- કર્મકાંડના શુદ્ધ મંત્રોચ્ચાર શીખી યુગ પુરોહિત બની રહ્યા છે.
વિજ્ઞાન અને અધ્યાત્મનો સમન્વય ત્યારે જોવા મળ્યું કે, જ્યારે શાંતિકુંજ, હરિદ્વારના આઈ.ટી. ડિપાર્ટમેન્ટ દ્વારા કર્મકાંડ ભાસ્કર નામની એપ તૈયાર કરવામાં આવી છે. આ એપને ગુગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી મોડાસાના કાર્યકર્તાઓ ભારતીય સંસ્કૃતિના આ ખૂબ જ મહત્વપૂર્ણ યજ્ઞ-કર્મકાંડના શુદ્ધ મંત્રોચ્ચારનું ઓનલાઈન પ્રશિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. કહેવાય છે કે, એકાંતમાં પુરા મનથી એકાગ્રતા અને ધ્યાનથી લીધેલું પ્રશિક્ષણ ખૂબ જ સફળ થઈ શકે છે.
લોકડાઉનના કારણે મળેલા સમય દરમિયાન એકલતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી આ નવા કાર્યકર્તાઓ તૈયાર થઈ રહ્યા છે. જેથી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના નિર્દેશ અનુસાર આવનારા દિવસોમાં મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા વિજ્ઞાન અને અધ્યાત્મના સમન્વય સાથેનો અદ્ભુત સકારાત્મક પ્રયોગ ભાવ સંવેદના સાથે વાયુ શુદ્ધિકરણ દ્વારા સૌને લાભાન્વિત કરતું ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અભિયાનમાં વધુ વેગ મળી શકશે.