અરવલ્લીઃ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ટુણાદર ગામે જમીન વિવાદમાં ધક્કામુક્કી થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. સામાન્ય બબાલ બાદ મૃતક અને આરોપીઓ વચ્ચે ખેચતાણ થઇ હતી. જેમાં મૃતક જમીન પર પટકાતા ઘટના સ્થળે તેમના પ્રાણ પખેરૂ ઉડી ગયા હતા. માલપુર પોલીસે આરોપીઓ વિરૂદ્વ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
બનાવની વિગત પોલીસ એફ.આઇ.આર મુજબ એવી છે કે, ટુણાદર ગામના બાલુભાઈ ધુળાભાઈ પ્રજાપતિના ખેતરને અડીને સાયબા ભાઈ પગીનું ખેતર આવેલું છે. સાયબાભાઈ પગી અને તેમના પુત્રોની બાલુભાઈ પ્રજાપતિના ખેતર પચાવી પડાવાની દાનત હતી. બાલુભાઈ પ્રજાપતિ ખેતરમાં ખેતી કામ કરી રહ્યાં હતા ત્યારે સાયબાભાઈ પગી અને તેના પુત્ર વિક્રમ અને રાજુ ત્રણે મળી બાલુભાઈ સાથે વિવાદ સર્જી ખેંચતાણ કરી ધક્કો મારતા બાલુભાઈ પ્રજાપતિ જમીન પર પટકાઇ બેભાન થઇ ગયા હતા.
પરિવારજનો બાલુભાઈને તાત્કાલિક બાયડ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જો કે, ફરજ પર હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. માલપુર પોલીસે બાયડ સરકારી દવાખાને મૃતકની લાશને પીએમ માટે ખસેડી ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથધરી હતી. માલપુર પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઇપીકો કલમ-302,323,504,114 મુજબ ગુનો નોંધી તેમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતા.