અરવલ્લી: ઉનાળાની ગરમીમાં અરવલ્લી જિલ્લાના કોઇ પણ ગામને પાણીની અછત ઉભી ન થાય તે માટે પાણી પુરવઠા વિભાગ ધ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લાના 691 ગામોને ચાલુ વર્ષ દરમિયાન વિવિધ પાણીના સ્ત્રોત દ્વારા પાણી પુરૂ પાડવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
જિલ્લા સમાહર્તા અમૃત્તેશ ઔરંગાબદકરે જણાવ્યું હતું, કે એસકે-2, એસકે-3 અને એસકે-4 જૂથ યોજના અંતર્ગત 691 ગામોને આવરી લેવાયા છે.જયારે જિલ્લાના જે તાલુકામાં હેન્ડપંપ આધારીત પાણીના સ્ત્રોત છે.તેવા વિસ્તારોમાં હેન્ડપંપ રીપેરીંગ માટે 10 ટિમ કાર્યરત કરી 2124 હેન્ડ પંપ રીપેર કરાવવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ અતિવૃષ્ટીના કારણે જિલ્લાના ચારે જળાશયો 100 ટકા ભરાઇ ગયા હતા. ચાલુ વર્ષ બધાજ જળાશયોમાંથી રવિ અને ખરીફ પાક માટે પાણી છોડવામાં આવ્યુ છે. હાલ તમામ જળાશયોમાં પાણીનો જથ્થો પુરતો છે.