અરવલ્લી: મળતી માહિતી મુજબ છેલ્લા સાત વર્ષથી અમદાવાદમાં છુટક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતો નૈનેશ નરસિહ નિનામાંએ નારણપુર ગામની એક મહિલા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે આ પ્રેમલગ્ન એક વર્ષ સુધી સફળ રહ્યા હતા. બાદમાં બન્ને વચ્ચે મનમેળ નહીં રહેતા તેની પત્ની પિયર જતી રહી હતી. ત્યાર બાદ નૈનેશ દાવલી ગામમાં મજૂરી કામ કરતો હતો. તે દરમિયાન તેને ફરીવાર એક યુવતી સાથે પ્રેમ થયો હતો. અને બીજી વાર પ્રેમલગ્ન કર્યા હતા. તેની સાથે નૈનેશને એક પુત્ર થયો હતો. પુત્ર ધ્રુવ થયા બાદ બન્ને વચ્ચે મનમેળ નહીં રહેતા તેની પત્ની ધ્રુવને નૈનેશ પાસે મુકી પોતાના પિયર જતી રહી હતી.
ત્યારબાદ નૈનેશ પુત્ર ધ્રુવને તેના પિતાના ઘરે મુકી આવ્યો હતો અને દાહોદ જિલ્લાની કોઇ મહિલા સાથે ત્રીજીવાર લગ્ન કર્યા હતા. તે મહિલા સાથે તે તેના પિતાના ઘરે અંતાલી ગામમાં છેલ્લા છ મહિનાથી રહેવા આવ્યો હતો. ત્રીજી પત્ની નૈનેશ સાથે ત્રણ માસ રહી અને ત્યાર બાદ તેના પિતા સાથે દાહોદ પરત જતી રહી હતી. ત્યારબાદ નૈનેશ અમદાવાદ પરત મજૂરી કામ માટે જતો રહ્યો હતો. 25 ઓગસ્ટે અમદાવાદથી અંતોલી તેના પિતાના ઘરે પરત આવ્યો હતો. તેના પિતાના ઘરે બે દિવસ રહ્યા બાદ નૈનેશ તેના પુત્ર ધ્રુવને રેલ્લાવાડા ગામમાં વાળ કપાવવા લઇ જવાનું કહીને નીકળ્યો હતો.
તે પછી અડધા કલાક બાદ નૈનેશ એકલો ઘરે પરત આવ્યો હતો. બાદમાં તેનો સામાન ભરીને ત્યાંથી નીકળી રહ્યો હતો. તે દરમિયાન નૈનેશના પિતા નરસિહભાઇએ ધ્રુવ વિશે તેને પુછતા તેને માસીના ઘરે મુકીને આવ્યો છે. તેમ જણાવ્યું હતું. જો કે ધ્રુવ લાંબા સમય સુધી પરત નહીં આવતા નરસિંહભાઇએ માસીના ઘરે ફોન કરી પુછયું હતું. ત્યારે જાણવા મળ્યું કે, ધ્રુવ માસીના ઘરે નથી. જેથી નરસિંહ ભાઇને નૈનેશ પર શંકા જતા ધ્રુવની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન ઘરના નજીક આવેલા કુવા પાસેના મકાઇના ખેતરમાં ગળામાં દોરડું બાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
ત્યારબાદ ધ્રુવને સારવાર અર્થે મોડાસાની સાર્વજનીક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ધ્રુવની હાલત વધુ ગંભીર હોવાથી તેને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડલામં આવ્યો હતો. જ્યાં ધ્રુવને બે દિવસ વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જો કે પૈસાની અછતના કારણે ધ્રુવને હિંમતનગરની સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં 31 ઓગસ્ટે સારવાર દરમ્યાન ધ્રુવનું મોત થયું હતું.
આ અંગે આરોપી નૈનેશના પિતાએ મેઘરજ ઈસરી પોલીસ સ્ટેશનમાં પોતાના દીકરા નૈનેશ સામે ફરીયાદ નોધાવી છે. ઈસરી પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.