- ટેકાના ભાવે જણસી વેચવા આવેલા ખેડૂતોને પડી રહી છે મુશ્કેલીઓ
- ખેડૂતોને કલાકો સુધી લાઇનમાં ઉભુ રહેવુ પડે છે
- એક એપ્રિલથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી છે
અરવલ્લી: જિલ્લાના મોડાસા, ધનસુરા, મેઘરજ, બાયડ, ભિલોડા અને માલપુર તાલુકાઓમાં ટેકાના ભાવે ઘઉ અને ચણાનું રજિસ્ટ્રેશન 1 ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યુ હતું. જે 16 ફેબ્રુઆરી સુધી ચાલ્યુ હતું. જેમાં અરવલ્લીના 6 કેન્દ્રો પર ચણા માટે 4,366 ખેડૂતોએ જ્યારે ઘઉં માટે 6,955 માટે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરવવ્યુ છે. જેમાં મોડાસા તાલુકામાં 1,237 ખેડૂતોએ ઘઉં માટે અને 563 ખેડૂતોએ ચણા વેચવા માટે નોંધણી કરાવી છે.
ખેડૂતોને કલાકો સુધી તાપમાં લાઇન લગાવીને ઉભા રહેવુ પડે છે
1 એપ્રિલથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી છે. જોકે નોંધણી કર્યા બાદ ખરીદ સેંટર પર પોતાની જણસી વેચવા આવેલા ખેડૂતોને પારવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોઇ પણ જાતની સવલત વિના મોડાસાના નાફેડ ખરીદ કેન્દ્ર પર ખેડૂતોને કલાકો સુધી તાપમાં લાઇન લગાવીને ઉભા રહેવુ પડે છે.
આ પણ વાંચો : કુતિયાણામાં ટેકાના ભાવે ચણા ખરીદીમાં અવ્યવસ્થા સર્જાઈ
જિલ્લામાં રવિ સિઝનમાં વાવેતર
અરવલ્લીમાં ખેડૂતોએ મુખ્યત્વે ઘઉં, બટાકા અને ચણાનું વાવેતર કર્યુ છે. જિલ્લામાં 54 ટકા ઘઉં, 15 ટકા બટાકા અને 12 ટકા ચણા વાવેતર નોંધાયું છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં 70,354 હેક્ટરમાં ઘઉં, 14,041 હેક્ટરમાં ચણા, 19,247 હેક્ટરમાં બટાકા અને અન્ય પાકો મળી કુલ 1,30,622 હેક્ટરમાં વાવેતર નોંધાયુ હતું.