વડાપ્રધાને અનેક મોટા મંચ પરથી દેશના નાગરિકોને સ્વચ્છ ભારત મિશન માટે આહ્વાન કર્યુ છે. પરંતુ, તેની કોઈ અસર જિલ્લા અને તાલુકાઓમાં સંચાલન કરતા અધિકારીઓમાં જોવા મળતી નથી.
ભ્રષ્ટાચારમાં ગળાડૂબ બનેલા અરવલ્લીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે PMનું મિશન ક્યાંક કાગળ પર સિમિત થઈ ગયુ છે. કાગળ પર એ રીતે સિમિત થયું કે ખુલ્લામાં જે વિકાસ ન થયો હોય તે કાગળ પર દેખાઈ રહ્યો છે. કાગળથી બહાર આવીએ તો ગામના પ્રવેશદ્વારો પર બૉર્ડ પર વિકાસ દેખાઈ રહ્યો છે. એટલે કે અરવલ્લીના બાયડમાં આવેલા રમોસ ગામે મોટા ભાગના શૌચાલયના કામકાજ થયા નથી.
પ્રતિ શૌચાલય 12,000 રૂપિયા ફાળવ્યા બાદ તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. કારણ કે ગામમાં અનેક ઘરોમાં શૌચાલયો ન હોવા છતાં ગામની બહાર ખુલ્લામાં શૌચાલય મુક્ત ગામની ઓળખ આપી દેવામાં આવી છે. જે ઘરોમાં શૌચાલયો બનાવવાની શરૂઆત કરી છે તેને અધુરા છોડી દેવાયા છે. શૌચાલયોના અભાવે આજે પણ આ ગામના લોકો નદીએ ઉંડે ઉતરી શૌચ જવા માટે મજબૂર છે!
આમ, તો સમગ્ર અરવલ્લી જિલ્લાને ખુલ્લામાં શૌચ મુક્ત જાહેર કરાયો છે. પરંતુ, જિલ્લા વિકાસ એજન્સીના દસ્તાવેજોમાં. કારણ કે શૌચાલય બનાવવા માટે ખર્ચાયેલા નાણાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં ગયા હોવાની ચર્ચા ચાલી રહી છે. આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માગ પ્રબળ બની છે.
એ સમય પણ હતો જ્યારે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીએ કહેવું પડ્યુ હતું કે કેન્દ્ર સરકાર 1 રૂપિયો વિકાસ માટે મોકલે તે લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. આજેય અધિકારીઓ આ વાતમાં રહેલા તથ્યને સાબિત કરી રહ્યાં છે.