- ગામડાઓમાં કોઝવે પર પાણી ફરી વળ્યા
- છેલ્લા 48 કલાકમાં અરવલ્લીમાં વરસાદ
- ગોખરવા વચ્ચે મેશ્વો નદીમાં પુરની સ્થિતિનું નિર્માણ થયુ છે
અરવલ્લી: છેલ્લા ચાર દિવસથી વરસી રહેલા વરસાદ ના પગલે જિલ્લાની નદીઓમાં નવા નીર આવ્યા છે, જ્યારે ઉપરવાસમાં પડેલા વરસાદથી જળાશયોમાં પણ પાણીની નોંધપાત્ર આવક થઇ રહી છે. મોડાસના ઇસરોલ-રાજલી વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળતા, થોડા સમય માટે આઠ ગામની અવર-જવર બંધ થઇ હતી. તો વળી કસાણા ગામે આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કસાણાથી વડથલી જવા માટે લોકોને મુશ્કેલી પડી રહી છે. જ્યારે મોડાસાના માધુપુર રાજલી કોઝવે પર પણ પાણી ફરી વળ્યા છે.
મેશ્વો નદી બે કાંઠે વહેતી થઇ
બીજી બાજુ શામળાજી નજીક મેશ્વો નદી પણ બે કાંઠે વહેતી જોવા મળી હતી. ગોખરવા વચ્ચે મેશ્વો નદીમાં પુરની સ્થિતિનું નિર્માણ થયુ છે. આ સાથે જ ભિલોડાની નાદરી નદીમાં નવા નીર આવ્યા છે. છેલ્લા 48 કલાકમાં જિલ્લાના ધનસુરામાં 6 ઇંચ, મેઘરજમાં 4 ઇંચ, માલપુરમાં 3 ઇંચ, બાયડમાં 1.5 ઇંચ, ભિલોડામાં 4 ઇંચ અને મોડાસામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે.