અરવલ્લીઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં દુષ્કર્મ અને ક્રૂર હિંસાનો ભોગ બનેલી 20 વર્ષીય યુવતિના મૃત્યુથી સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જિલ્લાના માલપુર નગરમાં વાલ્મિકી સમાજ દ્વારા આ ઘટનામાં ભોગ બનેલી યુવતિ માટે ન્યાયની માંગ સાથે બંધનું એલાન આપ્યું હતું. માલપુર નગરના તમામ નાના-મોટા ધંધા-રોજગાર બંધ રાખી વેપારીઓ અને નગરજનોએ સમર્થન આપ્યું હતું.
ઉલ્લેખનિય છે કે, પીડિત યુવતિનું સારવાર દરમ્યાન મોત નિપજતા સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે. આ ઘટનાના વિરોધમાં માલપુર નગરમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યું હતું. માલપુર ચાર રસ્તા ખાતે મોટી સંખ્યામાં વાલ્મિકી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. જ્યાં ભોગ બનેલી યુવતિને શ્રદ્ધાંજલિ અર્પી ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા.