- શામળાજી મંદિરમાં વાવમાં મહિલાનું પડી જવાથી મોત
- વાવના ફરતે ફેનસીંગના અભાવના પગલે આ બનાવ બન્યો
- મંદિર ટ્રસ્ટ દ્વારા વાવની આજુબાજુ ગ્રીલ કરવાનો નિર્ણય
અરવલ્લી : જિલ્લામાં આવેલ સુપ્રસિદ્વ શામળાજી મંદિરમાં શુક્રવારે બપોરના સમયે મંદિર પરિસરમાં આવેલ વાવમાં મહિલાનું પડી જવાથી મોત થતા હ્યદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. મંદિર પરિસરમાં આવેલ વાવના ફરતે ફેનસીંગના અભાવના પગલે આ બનાવ બન્યો હોય તેવુ ચર્ચાઇ રહ્યુ છે. જોકે, મંદિર ટ્રસ્ટ દ્વારા હવે આ જોખમકારક વાવની આજુબાજુ ગ્રીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ અકાળે મૃત્યુ
અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિરમાં ભરૂચની વાસુદેવ સોસાયટીમાં રહેતો રાંદેરીયા પરિવાર દર્શન કરવા આવ્યો હતો . દર્શન કરવા આવેલ દક્ષેશભાઇ, તેમના પત્ની શિલ્પાબેન અને પરિવારની યુવતી મંદિર પરિસરમાં આવેલ વાવ જોવા પહોંચ્યા હતા. વાવની પેરાફેટની બાજુમાં ઉભા રહી ફોટો પડવવા જતા શિલ્પાબેનનો પગ લપસી જતા વાવની અંદર પટકાયા હતા. તેમની સાથે આવેલી યુવતીએ બુમાબુમ કરી મુકતા પરિવારજનો અને દર્શને આવેલ શ્રદ્વાળુઓ વાવમાં દોડી ગયા હતા. મહિલાના માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ અકાળે મૃત્યુ થયુ હતુ.
વાવની આસપાસ તકેદારી માટે કોઇ બોર્ડ કે ચિન્હ લગવામાં આવ્યા નથી
અકસ્માત બાદ મંદિર ટ્રસ્ટે ખુલાસો કર્યો હતો કે, વાવ મંદિર પરિસરમાં આવેલ છે. પરંતુ પૌરાણીક હોવાથી તેની જાળવણી પુરાતત્વ ખાતા દ્વારા કરવામાં આવે છે. જોકે ઘટના બાદ ટ્રસ્ટ દ્વારા વાવની આજુબાજુ ગ્રીલ કરવાનો ત્વરીત નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મંદિરના ઇતિહાસમાં વાવમાં પડી જવાથી મોતની આ પ્રથમ ઘટના ઘટી છે. ત્યારે તેની આસપાસ તકેદારી માટે કોઇ બોર્ડ કે, ચિન્હ લગવામાં આવ્યા નથી.