- અરવલ્લીમાં નોકરીની લાલચ આપી નાણાં ખંખેરતી ઠગ ટોળકી ઝડપાઇ
- 3 લાખમાં સરકારી નોકરીની લાલચ આપી રુપિયા ખંખેરતા
- ખાણખનીજ,રેવન્યુ, સચિવાલય,હાઉસીંગ બોર્ડ અને પોલીસ વિભાગમાં નોકરીની લાલચ આપતાં
મોડાસા- સરકારી નોકરીની લાલચ આપી છેતરપિંડી કરવાની ઘટનાઓ છાશવારે બનતી હોય છે તેમ છતાં લોભીયા હોય ત્યાં ધુતારા ભૂખ્યાં ન મરે તેમ ઠગ ટોળકીની જાળમાં ક્યાંકને ક્યાંક લાલચુ લોકો ફસાતા હોય છે. આવું જ કંઈક બન્યું છે અરવલ્લી જિલ્લામાં. જેમાં ભીલોડા તાલુકાના સંજયભાઈ ધૂળાભાઈ ભગોરાએ તેમની ધોરણ-12 પાસ પત્ની પાયલબેનને સરકારી નોકરી માટે હિંમતનગરના લાલજી મેડા સાથે સોદો કર્યો હતો. રાજય સરકારના ખાણ ખનીજ વિભાગમાં સરકારી નોકરી આપવાના આ સોદામાં ઓર્ડર વખતે રૂ.1 લાખ અને નોકરી ઉપર હાજર થાવ ત્યારે બાકીના રૂપિયા 3 લાખ આપવાનું નક્કી કરાયું હતું.
ફરિયાદીએ એક લાખ ચૂકવી નોકરીનો સહીસિક્કાવાળો ઓર્ડર મેળવ્યો હતો
પાયલબેનની શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ વ્હોટસએ થી ગાંધીનગરમાં રહેતા સુરેશભાઈ રાયસીંગ ભૂરીયા મોકલી આપ્યા હતા. નક્કી થયેલ તારીખે પાયલબેનનો ઓર્ડર લેવા સંજયભાઈ ગાંધીનગર પહોંચ્યા હતા. જ્યાં તેમણે રૂપિયા એક લાખ ચુકવી નોકરીનો સહીસિક્કાવાળો ઓર્ડર મેળવ્યો હતો. રાજય સરકારના સેકશન અધિકારીની સહીવાળો, ખાણ ખનીજ વિભાગમાં નિમણૂકનો ઓર્ડર જોઈ, સુરેશભાઈને નોકરી મળી ગયાનો વિશ્વાસ થતાં તેમણે આ વાત તેમના ત્રણ મિત્રોને પણ જણાવી હતી.
આ પણ વાંચોઃ 3 દિવસ વેન્ટિલેટર પર અને 19 દિવસ ICUમાં રહ્યા બાદ માતા વગરનું બાળક સ્વસ્થ થયું
એકને છેતર્યા બાદ અન્ય ત્રણને જાળમાં ફસાવ્યાં
ત્યાર બાદ તેમના એક મિત્રના લાયકાતના સર્ટિફીકેટ વ્હોટસએપથી એજન્ટને મોકલી, નોકરીનો ઓર્ડર લેવા મહુડી ખાતે ગયા હતાં અને રૂપિયા 2 લાખ આપી અન્ય બે ઉમેદવારોના નોકરીના ઓર્ડર મેળવાયાં હતાં. જેમાંથી એક હરીચંદ્રભાઈ વણજારાએ નોકરીનો ઓર્ડર 1 લાખ રૂપિયા આપી મેળવ્યા બાદ ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા તેમના સસરાને મોકલ્યો હતો ત્યારે આ ઓર્ડરની ખરાઈ કરતાં આખો ઓર્ડર જ બોગસ હોવાનું બહાર આવ્યુ હતું અને આ ગઠીયાઓએ ત્રણેય ઉમેદવારોને છેતર્યા પ ર્દાફાશ થયો હતો. સમગ્ર છેતરપિંડી અંગે ભીલોડાના સંજયભાઈએ શામળાજી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસ ઈન્સ્પેકટર જે.પી.ભરવાડે હિંમતનગરના લાલા નાનજીભાઈ મેડા,દાહોદના શૈલેષ બચુભાઈ ડામોર અને સુરેશ રાયસીંગભાઈ ભુરીયા અને વડોદરાના અમિત સત્યેન્દ્ર પ્રકાશ શર્મા વિરૂદ્ધ રૂપિયા 3 લાખની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગેંગના કારનામાનું લાંબુ લિસ્ટ
53 નોકરીવાચ્છુંઓને ખાણખનીજ,રેવન્યુ, સચિવાલય,હાઉસીંગ બોર્ડ અને પોલીસ વિભાગમાં સરકારી નોકરીના ખોટા નિમણૂક ઓર્ડર આ ઠગોએ આપ્યાં હતાં.આ અંગેની તપાસ અરવલ્લી એસ.ઓ.જી પી આઈ જે.પી.ભરવાડ અને તેમની ટીમને સોંપવામાં આવતા ચારે આરોપીઓને દબોચી લઇ 5 મોબાઇલ અને એક લેપટોપ કબજેે કર્યાં છે. એસ.ઓ.જી પોલીસે આરોપીઓની પૂછતાછ કરતાં ઠગ ટોળકીએ રાજ્યના અરવલ્લી,સાબરકાંઠા,દાહોદ,વડોદરા,મહીસાગર અને ખેડા જિલ્લાના 53 જેટલા બેરોજગાર યુવક-યુવતીઓને ખાણખનીજ,રેવન્યુ, સચિવાલય,હાઉસીંગ બોર્ડ અને પોલીસ વિભાગમાં સરકારી નોકરીના ખોટા નિમણુક ઓર્ડર આપી ઉચ્ચ અધિકારીના ખોટા સહી સિક્કાનો ઉપયોગ કરી 60 લાખ જેટલી રકમ ખંખેરી લીધી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આ પણ વાંચોઃ ગાંધીનગર: પૈસા નવા કરવાની લાલચ આપતા બે ઠગોની ધરપકડ