અરવલ્લીઃ ગુજરાતભરમાં હજારો શિક્ષકો ટેટ–ટાટ પરીક્ષા પાસ કરી હોવા છતાં નોકરીથી વંચિત છે. આ અંગે અરવલ્લી જિલ્લાના ઉમેદવારોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી જણાવ્યુ હતું કે, આવતીકાલથી જ્યાં સુધી ભરતી નહી થાય સુધી તેઓ સ્વૈચ્છીક પોતાના ઘરે રહી ઉપવાસ પર ઉતરશે.
છેલ્લા કેટલાય સમયથી ટેટ–ટાટ પરિક્ષા પાસ કરેલા હજારો શિક્ષકો ભરતીની માંગ કરી રહ્યાં છે. જો કે, મહિલા અનામતને અનુલક્ષીને કરવામાં આવેલ જી.એ.ડીના 01.08.2018ના ઠરાવના કારણે ભરતી પ્રક્રિયા અટવાઇ છે. આ અંગે અરવલ્લી જિલ્લાના ઉમેદવારોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં માંગ કરવામાં આવી હતી કે, જી.એ.ડીના 01.08.2018ના ઠરાવનું ન્યાયપૂર્વક સમાધાન લાવી સરકારી શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવે અને અનુદાનીત શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવે. અન્યથા રાજ્યભરના તમામ નોકરીવાંચ્છુક ઉમેદવારો આવતીકાલથી સ્વૈચ્છીક ઉપવાસ પર ઉતરશે.