- કોરોના સંક્રમણ વધતા અરવલ્લીમાં ટેકાના ભાવે ખરીદી બંધ
- ખરીદી કરી રહેલા કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા
- 1 એપ્રિલથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી હતી
અરવલ્લી : જિલ્લામાં આવેલા સરકારી ખરીદ કેન્દ્રો પર એક એપ્રિલથી ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. જો કે, અરવલ્લીમાં કોરોનાના કેસમાં વધારો થતા, જિલ્લાના સરકારી ખરીદ કેન્દ્રો પર થઇ રહેલા ટેકાના ભાવે ઘઉં અને ચણાની ખરીદી સ્થગિત કરી દેવામાં આવી છે. જિલ્લા પુરવઠા અધિકારીએ અખબારી યાદીમાં જાણાવ્યુ છે કે, લઘુત્તમ ટેકાન ભાવે ખરીદ કેન્દ્રો ખાતે ખરીદી કરી રહેલા કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે, જે કારણે કોરોના સંક્રમણ અટકાવવા તેમજ APMC ખરીદ કેન્દ્રો ખાતે દૂરથી આવતા નાગરીકોમાં સંક્રમણનો ફેલાવો ન થાય તેવા હેતુથી ખરીદીની કામગીરી 20 એપ્રિલથી 30 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવી છે. પરિસ્થિતિ કાબૂમાં આવ્યા બાદ તાત્કાલિક ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો - મોડાસામાં ટેકાના ભાવે જણસી વેચવા આવેલા ખેડૂતોને પડી રહી છે મુશ્કેલીઓ
ટેકાના ભાવે થયેલા રજિસ્ટ્રેશન
અરવલ્લીના 6 કેન્દ્ર પર ચણા માટે 4,366 ખેડૂતોએ, જ્યારે ઘઉં માટે 6,955 માટે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી મોડાસા તાલુકામાં 1,237 ખેડૂતોએ ઘઉં માટે અને 563 ખેડૂતોએ ચણા માટે નોંધણી કરાવી છે. ઉલ્લખનીય છે કે, 1 એપ્રિલથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો - મોડાસા માર્કેટ યાર્ડમાં સ્વૈચ્છિક લોકડાઉનના પગલે હરાજી બંધ
અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં વાવેતર
અરવલ્લી જિલ્લામાં ખેડૂતોએ મુખ્યત્વે ઘઉં, બટાકા અને ચણાનું વાવેતર કર્યુ છે. જિલ્લામાં 54 ટકા ઘઉં, 15 ટકા બટાકા અને 12 ટકા ચણા વાવેતર નોંધાયું છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં 70,354 હેક્ટરમાં ઘઉં, 14,041 હેક્ટરમાં ચણા, 19,247 હેક્ટરમાં બટાકા અને અન્ય પાકો મળી કુલ 1,30,622 હેક્ટરમાં વાવેતર નોંધાયુ છે.