મોડાસાઃ લોકડાઉન દરમિયાન કેટલાય લોકો પોલીસના દમનનો ભોગ બન્યા છે. કામના ભારણને કારણે પોલીસ કેટલીક વખત દંડાવાળી કરતી હોય છે. જો કે કેટલાક નિર્દોષ લોકો પણ ઝપેટમાં આવી જાય છે. આવું જ કંઇક બન્યુ હતું અરવલ્લી જિલ્લાના રમોસ ગામના ખેડૂતો સાથે, જ્યારે તે ટ્રેક્ટર લઇને સાબરકાંઠા જિલ્લામાં આવેલા પેટ્રોલપંપ પર ડિઝલ પૂરાવવા ગયા હતા. તેઓને પોલીસે અટકાવી ટ્રેકટરમાં બેઠેલા લોકોને દંડથી માર મારતા ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે.
6 વર્ષ પહેલા સાંબરકાંઠામાંથી વિભાજન થઇ અરવલ્લી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો હતો. જોકે કેટલાય ગામડાઓ એવા છે, જ્યાં જિલ્લાની સરહદોમાં ભુલ પડી જાય છે. વર્ષોથી જે ગામ વિકસીત છે, ત્યાં અન્ય ગામડાના લોકો જીવન જરૂરિયાત અને ખેતીના સામાનની ખરીદી કરવા જવા માટે ટેવાયેલા છે. અરવલ્લીની સરહદે આવેલા સાબરકાંઠાનું રણાસણ ગામ વિકસીત હોવાથી, રમોસ ગામના ખેડૂત ટ્રેક્ટર લઇ નજીક આવેલા પેટ્રોલપંપ પર ડિઝલ ભરાવવાં જતા સાબરકાંઠા પોલીસે અટકાવીને દંડાથી માર મારવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
વધુમાં આ અંગે ખેડુતે વીડિયો વાઇરલ કરી ને એક ખેડૂત યુવકે વીડિયો વાયરલ કરી જણાવ્યુ હતું કે, શું અમે પાકિસ્તાનથી આવ્યા છીએ ? ખેડુતોએ આ અંગે સાબરકાંઠા પોલીસ સામે કાર્યવાહી કરાવમાં આવે તેની માગ કરી હતી.