- મોડાસામાં મળી આવ્યું ઘાયલ શિયાળ
- વન વિભાગના કર્મચારીઓએ કરાવી સારવાર
- સ્વસ્થ થતા શિયાળને જંગલમાં છોડી મૂકાયું
અરવલ્લી : જિલ્લાના મોડાસામાં જંગલમાં પ્રાણીઓ વચ્ચે અસ્તિત્વ ટકાવી રાખવા માટેની લડાઇ ક્યારેક જીવલેણ સાબિત થાય છે, તો કેટલીક વખત પ્રાણીઓનું મૃત્યુ થાય છે. ક્યારેક વન્ય પશુ કોઇ વ્યક્તિ કે જંગલ ખાતાના અધિકારીઓને મળી આવતા યોગ્ય સારવાર આપવામાં આવે છે. અરવલ્લીના શામળાજી વિસ્તારમાં જંગલ ખાતાના અધિકારીઓને ઘાયલ શિયાળ મળી આવ્યુ હતું.
પ્રાણીઓની અંદરોઅંદરની લડાઇમાં શિયાળ ઈજાગ્રસ્ત થયું
અરવલ્લી જિલ્લાની ગીરીમાળાઓમાં દિપડા સહિત અનેક જંગલી પ્રાણીઓ વસવાટ કરે છે. જોકે શિયાળ ભાગ્યે જ જોવા મળે છે, ત્યારે શુક્રવારના રોજ શામળાજી વિસ્તારમાં વન વિભાગના અધિકારીઓને ઘાયલ શિયાળ મળી આવ્યુ હતું. શામળાજીના અણસોલ ગામ નજીક પ્રાણીઓની અંદરોઅંદરની લડાઇમાં ઈજાગ્રસ્ત બનેલા શિયાળ ખેતરમાંથી ખેડૂતોને મળી આવતા તેમને શામળાજી વન વિભાગને તેની જાણ કરી હતી. વન વિભાગના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચી શિયાળને ભિલોડા પશુ દવાખાનામાં સારવાર અર્થે ખેસેડ્યું હતું.
શિયાળ સ્વસ્થ થતા તેને જંગલમાં છોડી મૂકાયુ
ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા શિયાળને વનવિભાગ દ્વારા સારવાર આપવામાં આવી હતી. થોડાક કલાક બેભાન રહ્યા બાદ શિયાળ સ્વસ્થ થયું હતું. હલનચલન કરી શકે તેવી હાલતમાં આવ્યા બાદ વન વિભાગના અધિકારીઓએ તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દીધું હતું.