- સમગ્ર ઉત્તર ગુજરાતમાં થાય છે બાજરીનું વાવેતર
- રવિ સિઝનની બાજરીના ચૂકવાય છે 430 રૂપિયા પ્રતિ મણ
- બાકીની સિઝનની બાજરીનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો નિરાશ
મોડાસા : અરવલ્લી જિલ્લામાં બાજરીનું વાવેતર ખરીફ, રવિ તેમજ ઉનાળાની સિઝનમાં કરવામાં આવે છે. સરકારના કૃષિ વિભાગ તરફથી માત્ર ખરીફ સિઝનમાં કરાયેલા બાજરીની ઉપજને જ ટેકાના ભાવે ખરીદવામાં આવે છે. જ્યારે ઉનાળુ બાજરીના ઉત્પાદનને બજારમાં પોષણક્ષમ ભાવ મળતા ન હોવાના કારણે ખેડૂતોને ખર્ચ અને મહેનતના પ્રમાણમાં આર્થિક ઉપજ મળતી નથી. જેથી ઉનાળા દરમિયાન વાવવામાં આવેલી બાજરીને પણ ટેકાના ભાવે ખરીદવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.
બાજરીની કોઇ સ્થાનિક માગ નથી અને બહાર નિકાસ પણ કરાતી નથી
મોડાસાના માર્કેટ યાર્ડમાં બાજરી વેચવા આવેલા ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેઓ બાજરીના વાવેતરમાં કાળી મજૂરી કરે છે. બજારમાં ભાવ ઓછો હોવાના પગલે તેમને હાલાકી પડે છે. બાજરીની કોઇ સ્થાનિક માગ નથી અને બહાર નિકાસ પણ કરવામાં આવતી નથી. બાજરીનો ઉપયોગ ફકત 'કેટલ ફીડ' એટલે કે પશુઓના ભોજન તરીકે કરવામાં આવે છે. છેલ્લા 3 વર્ષથી ઉનાળુ બાજરીના ભાવ પ્રતિ મણ 240થી 260 ચાલે છે. જે ન વધવાથી ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે.
રવિ સિઝનની બાજરીનો ભાવ 430, જ્યારે ઉનાળુ બાજરીનો 240થી 260
ખરીફ અને રવિ સિઝનની બાજરીનો ટેકાનો ભાવ રૂપિયા 430 હોય છે. જ્યારે ઉનાળુ બાજરીનો ભાવ રૂપિયા 240થી 260 સુધીનો છે. જેથી ખેડૂતો બજારમાં અડધા ભાવે બાજરી વેચવા મજબૂર બન્યા છે. બાજરીની ટેકાના ભાવે ખરીદી ન થતાં ખેડૂતોએ મહામૂલો પાક પાણીના ભાવે વેચવો પડે છે. ઘઉં અને ચણાની ખરીદીથી ખેડૂતોને મહદ અંશે રાહત તો મળી રહી છે પરંતુ ઉનાળુ બાજરીની ખરીદી અંગે રાજ્ય સરકાર દ્વારા કોઈ જ જાહેરાત ન કરાતા ખેડૂતોને નુક્સાન થવાથી રોષ પણ વ્યાપ્યો છે.