અરવલ્લી: જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક જિલ્લા પ્રભારી રમણલાલ પાટકરના અધ્યક્ષસ્થાને મોડાસાની જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. જિલ્લા પ્રભારી પ્રધાને જિલ્લાના વિકાસના કામને ઝડપી પૂર્ણ કરવા અને વિકાસની ગતિને તેજ બનાવવા અધિકારીઓને અપીલ કરી હતી. જિલ્લાની શાળાઓના ઓરડા, પીવાના પાણી અને વિજળીકરણની બાકી રહેલી કામગીરીને ઝડપથી પુરા કરવા માટે વહિવટીતંત્રના અધિકારીઓનું ધ્યાન દોર્યુ હતું.
ન્યૂ ગુજરાત પેટર્ન વર્ષ 2020-21ની નાણાંકીય જોગવાઇ અને આયોજનની વિગત અંતર્ગત ભિલોડા તાલુકાના 317 કામ માટે રૂ. 718.26 લાખનું આયોજન કરવામાં આવ્યું હતું. જયારે મેઘરજના 161 કામ માટે રૂ. 295.42 લાખની જયારે જિલ્લાના મોડાસા અને માલપુર તાલુકાના છૂટાછવાયા આદિજાતિ ગામોના વિકાસના 16 કામ માટે રૂ. 13.91 લાખના મળી જિલ્લામાં આદિજાતિ તાલુકાઓના સંવાર્ગી વિકાસના 494 કામ માટે રૂ. 1027.59 નું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમાર, ભિલોડા-મેઘરજના ધારાસભ્ય ડૉ.અનિલ જોષીયારા, અરવલ્લી કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર, જિલ્લા્ વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલીયા, અધિક કલેકટર આર.જે.વલવી, પ્રાયોજના અધિકારી મુનિયા, અગ્રણી રણવીરસિંહ ડાભી સહિત સહિત તાલુકા પંચાયત પ્રમુખ તથા અગ્રણી પદાધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, તાલુકાકક્ષાના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.