અરવલ્લીઃ કોરોના વાઈરસ સંદર્ભે બાળકોને આ રોગથી બચાવવા સાથે તેમને પૂરતું પોષણ મળી રહે તે માટે જિલ્લાની આંગણવાડી કેન્દ્રોની બહેનો બખૂબી માતા જશોદાની ભૂમિકા નિભાવી રહી છે. કોરોના સંદર્ભે આંગણવાડીઓ બંધ રાખવાની હોવાથી તમામ બાળકોને ઘઉં, ચણા, સોયાબીન અને સાકર રોસ્ટર થયેલા બાલશક્તિના 500 ગ્રામના 4 પેકેટો ઘરબેઠાં આંગણવાડીના બહેનોએ વિતરણ કર્યા છે.
- મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામાં સુચારૂ વ્યવસ્થા કરવામાં આવી
જિલ્લા પંચાયત મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા આ ઉપરાંત 6 માસથી 3 વર્ષના 23237 બાળકોને પણ 15,56,600 બાલશક્તિના પોષણયુક્ત આહારના પેકેટ, ૩થી 6 વર્ષના જિલ્લાના કુલ 18891 બાળકોને આ 75840 કીટનું આંગણવાડીની બહેનો દ્વારા વિતરણની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે.
કોરોના વાઈરસ સંદર્ભે જિલ્લાની 4801 સગર્ભામાતાઓને 19464, જયારે 4503 ધાત્રી માતાઓ 18220 તેમજ કિશોરીઓને પણ પોષણયુક્ત આહારની ખોટ પુરવા આંગણવાડીએ બોલાવવાના બદલે સગર્ભા અને ધાત્રી માતાઓને માતૃશક્તિ તેમજ 11થી 18 વર્ષની કુલ 12335 કિશોરીઓને કુલ 50340 પૂર્ણા શક્તિ ટી. એચ.આર પેકેટના વિતરણની કામગીરી પૂરી કરી દેવામાં આવી છે.
લોકડાઉન સંદર્ભે આંગણવાડીઓ બંધ કરવામાં આવી છે. આથી બાળકો સાથે સગર્ભા, ધાત્રી માતાઓ અને કિશોરીઓ પોષણયુકત આહારથી વંચિત ના રહે તે માટે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા અરવલ્લી જિલ્લામા સુચારૂ વ્યવસ્થા કરી સંબંધિત લાભાર્થીઓને ઘરબેઠા કીટ આપવામાં આવી રહી છે.
- આંગણવાડી બહેનો સમગ્ર જિલ્લામાં હેલ્થ સર્વેમાં પણ મદદરૂપ બની
ઉપરાંત કોરોના વાઈરસ સંદર્ભે આંગણવાડી બહેનો દ્વારા ઘર બેઠા કીટ વિતરણ કરાયું ત્યારે સાવચેતી રાખવા સાથે સોશ્યિલ ડિસ્ટન્સ રાખી કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ કોરના વાઈરસ સદંર્ભે જનજાગૃતિ અને પૂરતી કાળજી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની સલામતીને ધ્યાનમાં રાખી સેનિટાઇઝર અને માસ્ક પૂરા પાડવામાં આવેલા છે. તેમજ હોમીયોપેથીક એન્ટીબાયોટીક દવા પણ આપવામાં આવી છે. પોષણ આહારની કીટ વિતરણની કામગીરીની સાથે સાથે આંગણવાડી બહેનોએ સમગ્ર જિલ્લામાં કરવામાં આવેલા લોકોના હેલ્થ સર્વેમાં પણ મદદરૂપ બની પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે.