અરવલ્લીઃ જિલ્લાના મોડાસા શહેરના ભાગોળ વિસ્તારમાં 68 વર્ષીય મહિલા અને 70 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોના પોઝિટિવથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 110 થઇ છે. જિલ્લામાં હાલની પરિસ્થતિએ 2635 લોકોને હાલમાં હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે.
બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલ 15, તેમજ મોડાસા સાર્વજનિક કોવિડ હોસ્પિટલ 13 મળી કુલ 28 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે સાબરકાંઠા બે તેમજ અમદાવાદ જિલ્લાનો એક દર્દી મોડાસા સાર્વજનિક હોસ્પિટલ કોરોનાની સારવાર લઇ રહ્યો છે, તો જિલ્લામાં કુલ 77 દર્દીઓ સ્વસ્થ્ય થતા ઘરે પરત મોકલાયા છે.
આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે, જિલ્લામાં રવિવારના રોજ મોડાસામાં 58 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કોરોના વાઇરસના સંક્રમણ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે કોવિડ-19ના નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.
આવા વિસ્તારમાં આરોગ્યની 5 ટીમો દ્વારા 252 ઘરોના 1251 લોકોને હાઉસ ટુ હાઉસ સર્વે આવરી લેવામાં આવ્યાં છે. સર્વે દરમિયાન 9 વ્યક્તિઓને કોરોનાના શંકાસ્પદ લક્ષણ જણાતા હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. વળી સોમવારે મોડાસાના ભાગોળ વિસ્તારમાં જ 68 વર્ષિય મહિલા અને 70 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારમાં 79 અને શહેરના 31 મળી કુલ 110 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.