મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસાના બાયપાસ રોડ પર દેવરાજ ધામ નજીક શનિવારની મોડી રાત્રીએ બિન વારસી હાલતમાં પાંચ સગીર બાળકો મળી આવતા અનેક તર્કવિતર્ક સર્જયા હતાં. આ બાળકો મળી આવતા લોકોના ટોળે ટોળા એક્ઠા થયાં હતા અને પોલીસ અને ચાઇલ્ડ હેલ્પ લાઇનને જાણ કરી હતી. ચાઇલ્ડ હેલ્પ લાઇનની ટીમ ઘટના સ્થળે પહોંચી ચાર બાળકોનો કબ્જો લીધો હતો.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં શનિવારની મોડી રાત્રીએ કોઇ અજાણ્યા ઇસમો પાંચ બાળકોને બિન વારસી હાલતમાં મુકી ગયા હતા. આ બે બાળકો દેવરાજ ચાર રસ્તા તેમજ ત્રણ બાળકો ગણેશપુર વિસ્તારમાંથી મળી આવ્યા હતાં. આ બાળકો બિન વારસી હાલતમાં મળી આવતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા અને પોલીસ તેમજ ચાઇલ્ડ લાઇનને જાણ કરી હતી.
ચાઇલ્ડ લાઇનની ટીમ ઘટના સ્થળે પહોંચી ચાર બાળકોનો કબ્જો લીધો હતો. બાળકોના જણાવ્યા અનુસાર, રાજસ્થાનના સિમલવારાના રહેવાસી છે અને તેમના પરિવારજનો તેમના પર યાતના ગુજારતા હતા, તેમજ ઘરકામ કરાવતા હતા. જો કે, તેમને કોણ મુકી ગયુ અને શા માટે મુકી ગયુ છે? આ અંગે કોઇ સ્પષ્ટ જણાવી શક્યા ન હતાં.
ચાઇલ્ડ લાઇન હેલ્પના કાર્યકર્તાના જણાવ્યા અનુસાર, બાળકો પર તેમના માતા-પિતા દ્રારા ત્રાસ ગુજરવામાં આવતો હતો. પાંચ બાળકો મળી આવ્યા હતાં. જેમાંથી ચાઇલ્ડ હેલ્પ લાઇનને ફકત ચાર બાળકોનો કબ્જો મળ્યો હતો. પાંચમો છોકરો જે આ ચાર કરતા ઉમરમાં મોટો દેખાતો હતો. ભીડથી ગભરાઇને છટકી ગયો હશે, તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.