અરવલ્લીઃ જીલ્લાના ધનસુરા તાલુકાના છેવાડીયા ગામની 40 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયુ છે. આ મહિલા 16 એપ્રિલે નરોડા અમદાવદથી આવી હતી. આ વિશે સ્વાસ્થય વિભાગને જાણ થતા મહિલાને વાત્રક કોવીડ-19 હોસ્પિટલમાં આઇસોલેટ કરી તેના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સ્વાસ્થય વિભાગે મહિલાના સંપર્કમાં આવેલા પરિવારજનો તેમજ આસપાસ રહેતા લોકોને કોરોન્ટાઈન કરી થર્મલ સ્ક્રીનિંગની કામગીરી હાથધરી તેમજ છેવાડીયા ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે.
મળતી માહિતી અનુસાર, રાજ્યમાં કોરોના હોટસ્પોટ બનેલા અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી 40 વર્ષીય મહિલા લોકડાઉનનું ઉલ્લંઘન કરી આંતર જીલ્લા સરહદ સીલ હોવા છતાં ધનસુરાના છેવાડીયા ગામે આવી હતી. જોકે સ્થિતિ વધારે ખરાબ થાય તે પહેલા આ માહિતી સ્વાસ્થય વિભાગને મળતા મહિલાને તાત્કાલિક ધોરણે વાત્રકની કોવીડ-19 હોસ્પિટલમાં આઈસોલેટ કરી હતી.
બીજી બાજુ લોકડાઉન પછી તરત જ અરવલ્લીમાં આંતરરાજ્ય અને જીલ્લા સરહદો સીલ કરી હોવાના દાવાઓ થઈ રહ્યા છે તેમ છતાં મોટા પ્રમાણમાં લોકો જીલ્લામાં પ્રવેશ કરી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે.