- અરવલ્લીમાં એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો સામૂહિક આપઘાત
- ત્રણ દિવસ પહેલા ગુમ થતા યુવકના પિતાએ નોંધાવી હતી પોલીસ ફરિયાદ
- અચાનક ગુમ થયેલો પરિવારના મૃતદેહ ગામની ભાગોળે ગળેફાંસો ખાધેલી હાલતમાં મળ્યો
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગાજણ ગામમાં શનિવારે સાંજે પતિ, પત્ની અને બે બાળકોએ ગામના ડુંગરમાં આવેલા તળાવ નજીક એક ઝાડ પર ગળે ફાંસો ખાધો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગાજણ ગામમાં રામદેવપીર ફળી વિસ્તારમાં રહેતો 32 વર્ષીય ખેડૂત કાળુસિંહ પરમાર તેની પત્ની જ્યોતિકાબેન સાથે સાત વર્ષીય પૂત્ર મયંક અને પાંચ વર્ષી પુત્ર ટેડિયો સાથે 31 ડિસેમ્બરે રાત્રે 10 વાગ્યા પછી ક્યાંક ચાલ્યા ગયા હતા. યુવકના પિતાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેમનો પૂત્ર પરિવાર સાથે ગુમ થઈ ગયો હોવાની જાણ કરી હતી. પરિવારજનોએ આસપાસના વિસ્તારમાં શોધખોળ કરી હતી, પરંત ગુમ થયેલો પરિવારનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. ત્યાં જ ત્રણ દિવસ બાદ શનિવારની સાંજે અચાનક ગૂમ થઈ ગયેલ દંપતી અને તેના બે પુત્રો ઝાડ પર ગળે ફાંસો ખાધેલ હાલતમાં લટકતા મળી આવ્યા હતા.
અંતિમયાત્રા નિકળતા શોકની કાલીમા છવાઈ
આ ઘટનાની જાણ થતા મોડાસા ગ્રામ્ય પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોચ્યો હતો. પોલીસે પતિ-પત્ની અને બાળકોના મૃતદેહનું મોડાસા અર્બન હેલ્થ સેન્ટરમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા હતા. પોસ્ટમોર્ટમ બાદ રવિવારે સવારે ચારેય મૃતકોને ગાજણ ગામમાં લાવી તેમની અંતિમક્રિયા કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. એક જ પરિવારના 4 વ્યક્તિઓની અંતિમયાત્રા નિકળતા સમગ્ર પંથકમાં શોકની કાલીમા છવાઈ ગઈ હતી. જોકે, આપઘાતનું કારણ હજી સુધી જાણી શકાયું ન હોવાથી પોલીસે તે દિશામાં કામ શરૂ કર્યું છે.