મોડાસાઃ લોકડાઉનના ચોથા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા જિલ્લાની અંદર એસ.ટી બસ સેવા શરૂ કરવાની મંજૂરી આપતા અરવલ્લી જિલ્લામાં પ્રથમ દિવસે 31 બસો દ્વારા 162 ટ્રીપ શરૂ કરવામાં આવી છે.
આ અંગે વિગત આપતા એસ.ટી ડિવીઝનના કંટ્રોલર ગોસ્વામીએ જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લાના કન્ટેઈન્ટમેન્ટ સિવાયના ગ્રામ્ય વિસ્તારોને આવરી લેતા તેમજ એક તાલુકા મથકથી બીજા તાલુકા મથક સુધી પ્રવાસીને જવા માટે 31 બસો દ્વારા 162 ટ્રીપ શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત સાબરકાંઠાની 37 બસો દ્વારા 192 ટ્રીપ, માણસાની 8 બસ દ્વારા 48 ટ્રીપ અને વિજાપુરની 10 બસો દ્વારા 48 મળી કુલ સાબરકાંઠા ડિવીઝન દ્વારા 86 બસથી 450 ટ્રીપ શરૂ કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં લોકડાઉનનો અમલ થતાંં કોરોનાના સંક્રમણનો વ્યાપ વધવાને લઇ રાજ્ય સરકાર દ્વાર એસ.ટી પરિવહનની સુવિધાઓ બંધ કરી હતી, પરંતુ લોકડાઉનના ચોથા તબક્કકામાં રાજ્ય સરકાર સંચાલિત એસ.ટી બસ સુવિધાઓ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવતા સાબરકાંઠા ડિવીઝનલ સંચાલિત ડેપોમાં હિંમતનગર, મોડાસા, માણસા અને વિજાપુરની 86 બસોને જિલ્લાની અંદર જ પરિવહન કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ સાથે જ તમામ બસોને સેનિટાઇઝ કરાઇ છે. બસમાં મુસાફરી કરતા પહેલા પ્રવાસીએ એડવાન્સ બુકિંગ અથવા કાઉન્ટર કે કંડકરટર જોડે ટીકિટ બુક કરાવવાની રહેશે. બસમાં મુસાફરી કરતા પહેલા થર્મલ ગનથી સ્કેનિંગ કરવામાં આવશે. આ ઉપરાંત હાથ સેનિટાઇઝ કરવાની પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જાળવવાનું રહેશે અને ફરજીયાત પણે માસ્ક પહેરવાનું રહેશે.