જાલીયા ગામના 10 થી 12 મિત્રો વાગોદરા ગામ નજીક ડુંગર વચ્ચે આવેલા તળાવમાં નાહવા ગયા હતા. જેમાં મોડાસા તાલુકાની બોલુન્દ્રા હાઈસ્કૂલમાં ધોરણ 9 માં અભ્યાસ કરતો હર્ષદ રમણભાઈ રાવળ પણ સાથે ગયો હતો. આ દરમિયાન હર્ષદ અચાનક તળાવમાં ગરકાવ થઈ જતા અન્ય બાળકોએ બચાવ માટે બુમો પાડી હતી. જોકે એ વખતે ત્યાં કોઇ હાજર ન હતું, પોતાના મિત્રને નજરે પાણીમાં ડુબતો જોઇ તેના મિત્રો ગભરાઇ ગયા હતા અને કોઇને જાણ કરી ન હતી .
સાંજે પોતાનો પુત્ર ઘરે ન આવતા માતા પુત્રને શોધવા નીકળ્યા હતા.હર્ષદના મિત્રએ સમગ્ર ઘટની જાણ મૃતકની માતાને આપી હતી.જે બાદ સ્થાનિક તંત્રને ઘટનાની જાણ થતા તાબડતોડ રાત્રીના અંધારામાં મોટી સંખ્યામાં સ્થાનિક તરવૈયાઓ સાથે પહોંચી શોધખોળ આદરી હતી. હિંમતનગર ફાયર બ્રિગેડની ટીમના તરવૈયાઓની ટીમે 6 કલાકની ભારે જહેમત બાદ સગીરના મૃતદેહને શોધી કાઢી હતી.પોલીસે મૃતક સગીરની લાશને પોસ્ટમાર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.