- થોડા દિવસો અગાવ પત્ની પ્રિયંકાએ કરી હતી આત્મહત્યા
- પત્નીની શાંતિ સભા પતાવી ભર્યું અંતિમ પગલું
- સ્યુસાઇડ નોટમાં સ્થિતિ વર્ણવી કર્યો પરિસ્થિતિનો ઉલ્લેખ
પેટલાદ: સુણાવ રોડ પર આવેલી મસીહ સોસાયટીમાં રહેતા નિશાંત નીલેષભાઈ મહિડા નામના 32 વર્ષીય યુવકેે ગુરુવારે રાત્રીના પોતાના ઘરે ચાદર વડે પંખા સાથે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.
પોલીસને ઘરમાંથી સ્યુસાઈડ નોટ મળી આવી હતી
ઘટનાની જાણ પેટલાદ શહેર પોલીસને થતાં જ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ અને મૃતદેહનો કબ્જો લઈને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. પોલીસને ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવતા મોબાઈલ સાથે કબ્જે કરીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
નિશાંત અને પ્રિયંકાએ પ્રેમ લગ્ન કર્યા હતા
પેટલાદ પોલીસના જણાવ્યા અનુસાર વર્ષ 2015માં નિશાંત અને નંદનવન સોસાયટીમાં રહેતી પ્રિયંકાએ પ્રેમલગ્ન કર્યા હતા. નિશાંત પાડગોલ પીએચસી સેન્ટરમાં મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (એમપીએચડબ્લ્યુ) તરીકે ફરજ બજાવતો હતો, જ્યારે પ્રિયંકા બનાસકાંઠાના થરા ગામે શિક્ષકા તરીકે નોકરી કરતી હતી.
બન્ને પુત્રીઓને સાસરી પક્ષના સભ્યો લઇ ગયા હતા
સુખી લગ્નજીવનના ફળસ્વરૂપે બે પુત્રીઓ જૈનન અને પ્રીનીશાની હતી. જો કે, ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે અણબનાવ શરૂ થઈ ગયો હતો. પતિ-પત્ની અલગ-અલગ જગ્યાએ નોકરી કરતા હોય એકબીજાને પુરતો સમય આપી શકતા નહોતા, જેને લઈને તેમની વચ્ચે કજીયા શરૂ થઈ જવા પામ્યા હતા. જેને લઈને ગત 10મી તારીખના રોજ પ્રિયંકાએ ધોબીકુઈ તળાવ પર આવેલા સેલ્ફી પોઈન્ટ પાસે જઈને ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ બન્ને પુત્રીઓને સાસરી પક્ષના સભ્યો લઈ ગયા હતા. નિશાંતે આ અંગે સમાધાન કરીને પોતાની પુત્રીઓ મેળવવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તેમાં તે વિફળ ગયો હતો.
પ્રિયંકાનું નંદનવન સોસાયટીમાં બેસણું રાખવામાં આવ્યું હતું
દરમિયાન આજે પ્રિયંકાનું નંદનવન સોસાયટીમાં બેસણું રાખવામાં આવ્યું હતુ. એ પહેલાં તેણે ઉપલા માળે પોતાના રૂમમાં ચાદર વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સવારના સુમારે નીચેના માળે રહેતા તેના પિતા બોલાવવા માટે ગયા, ત્યારે નિશાંત લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી તુરંત જ પોલીસને જાણ કરવામાં આવી હતી.
હું મારી પત્ની પ્રિયંકાને ખૂબ પ્રેમ કરતો હતો: નિશાંત
ઘટના સ્થળે પહોંચેલી પેટલાદ પોલીસને નિશાંતની અંતિમ સ્યુસાઈડ નોટ ઘટના સ્થળેથી મળી હતી. જેમાં નિશાંતે પત્ની પ્રિયંકાને ખુબ જ પ્રેમ કરતો હોવાનું જણાવ્યું હતુ. પત્નીના મોત માટે તે તથા તેના માતા-પિતા કોઈપણ પ્રકારે જવાબદાર નહિ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્ટાનું પત્નીના મોત બાદ પોતાની બન્ને પુત્રીઓને પત્નીના પિયર પક્ષના સભ્યો લઈ ગયા હતા. જે પરત મેળવવા માટે ખૂબ જ આજીજી કરી હતી, પરંતુ સાસરી પક્ષના સભ્યો પુત્રીઓને પણ મળવા દેતા નહોતા, જેથી હું પણ પત્ની સાથે જવા માંગુ છુ તેમ લખીને તેણે જીવનલીલા સંકેલી લીધી હતી.