આણંદઃ પેટલાદ તાલુકામાં આવેલી સરકારી અનાજના ગોડાઉનમાં ફરજ બજાવતાં વનિતા રાઠોડ જેઓ વ્યવસાયે ગુજરાત સરકારમાં ગોડાઉન મેનેજર તરીકે સેવા આપી રહ્યાં છે. તેમને એક પાંચ વર્ષની દીકરી અને હાલમાં જન્મેલ 10 દિવસનું નવજાત બાળક છે. કોરોના સામેના જંગમાં જ્યારે દેશમાં લોકડાઉન છે. તે દરમિયાન ગરીબો સુધી સરકારી અનાજ પહોંચાડવાની સરકારે જાહેરાત કરી હતી ત્યારે વનિતાબહેને નવ માસનો ગર્ભ હોવા છતાં દેશની સેવા માટે મળેલી રજા રદ કરાવી કર્મનિષ્ઠાના દર્શન કરાવ્યાં હતાં. સાથે જ આવી પરિસ્થિતિમાં પણ તેમણે નિયમિત ફરજ પર હાજર રહી ગરીબો સુધી તેમનું અનાજ પહોંચાડવા માટે નોંધનીય કામગીરી કરી બતાવી હતી.
સ્ત્રીના જીવનનું ઉત્તમ પાત્ર એટલે માઃ જાણો આણંદની કોરોના યોદ્ધા માનું માતૃત્વ અને કર્તવ્યનિષ્ઠા વનિતાબહેને આ દિવસોમાં જ એક બાળકને જન્મ આપ્યો અને હાલ દેશની આ કોરોના યોદ્ધાએ સાબિત કરી બતાવ્યું છે કે, દેશમાં આવી પડેલા સંકટમાં ફરજ પર રહેવાનું હોય કે સામાજિક અને પારિવારિક જવાબદારીઓ નિભાવવાની હોય બંનેમાં મહિલાઓનું યોગદાન ખૂબ મહત્વપૂર્ણ હોય છે.
દેશમાં ચાલી રહેલા વર્તમાન કોરોના પ્રકોપ વચ્ચે પણ માનસિક મનોબળ અને મજબૂત ઇરાદાઓનું ઉત્તમ ઉદાહરણ આપનાર વનિતાબહેન જેવા કર્મચારીઓ ઘેર મા તરીકે બાળકોની સારસંભાળ પણ રાખી રહ્યાં છે અને સંકટના સમયે દેશમાં આવી પડેલી આપત્તિમાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી દેશની પણ સેવા કરી રહ્યાં છે.
સ્ત્રીના જીવનનું ઉત્તમ પાત્ર એટલે માઃ જાણો આણંદની કોરોના યોદ્ધા માનું માતૃત્વ અને કર્તવ્યનિષ્ઠા વનિતાબહેન હાલ પ્રસૂતિની રજાઓ પર છે, ત્યારે તે અત્યારે તેમના નવજાતનું પાલનપોષણ કરી રહ્યાં છે તથા ઘરની પણ સારસંભાળ રાખી રહ્યાં છે. તેમણે ETV Bharat સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, મા બનવું તે ખૂબ ગર્વની વાત છે. મા તરીકે દરેક સ્ત્રીની ખૂબ મોટી જવાબદારી હોય છે કે પોતાના બાળકોનું પાલન પોષણ કરે તથા તેમાં સંસ્કારોનું સિંચન કરે સાથે જ બાળકો છે તે દેશનું ભવિષ્ય છે માટે મા તરીકે બાળકોમાં સારા સંસ્કાર સીંચી દેશની ભાવિ પેઢીને મજબૂત કરવાનું કામ એક મા કરી શકે છે. વર્લ્ડ મધર્સ ડે નિમિત્તે વનિતાબહેને તેમની માતા અને તેમની સાસુને પ્રથમ શુભકામનાઓ પાઠવી હતી.