- જિલ્લામાં 157 કેન્દ્રો પર રસીકરણની કામગીરી શરૂ
- પ્રજાએ મોટી સંખ્યામાં રસી મુકાવવા દાખવ્યો ઉત્સાહ
- કેન્દ્રો પર ક્યાંક દવા તો ક્યાંક વ્યવસ્થાનો અભાવ
આણંદ: રાજ્યમાં આજ સોમવારથી સરકાર દ્વારા મોટા પ્રમાણમાં રસીકરણ અભિયાન ( Walk In Vaccination Campaign )હાથ ધરવામાં આવ્યું છે. આણંદ જિલ્લામાં સોમવારના રોજ 157 જેટલા કેન્દ્રો પર રસીકરણ ( Vaccination Center Anand ) ની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જ્યાં નાગરીકોએ ઉત્સાહ પૂર્વક રસીકરણની પ્રક્રિયામાં ભાગ લીધો હતો. આ સાથે, ઘણા કેન્દ્રો પર આરોગ્ય કર્મચારીઓની ઉપસ્થિત ન રહેતા રસી મુકાવ્યા બાદ તાવની ફરિયાદમાં જરૂરી દવા ન મળતા લોકોને હાલાકી ભોગવવી પડી હતી.
ગ્લવ્ઝ પહેર્યા વગર રસી મુકવાની કામગીરી
આણંદ શહેરમાં આવેલા નહેરુબાગ અર્બન હેલ્થ સેન્ટર સંચાલિત રસીકરણ કેન્દ્ર પર રસી મુકાવવા આવતા નાગરિકોને પેરાસીટેમોલની દવા આપવામાં આવી ન હતી. આ સાથે, કર્મચારીઓ દ્વારા નિયમોને નેવે મૂકીને ગ્લવ્ઝ પહેર્યા વગર રસી મુકવાની કામગીરી કરવામાં આવી રહી હતી. જે નાગરિકોના સ્વસ્થ સામે જોખમ વધારતું નજરે પડ્યું હતું. તેવામાં આ કેન્દ્ર પર આરોગ્ય કર્મચારીની પણ હાજરી ન હતી.
નાગરિકોને કેન્દ્ર પર વ્યવસ્થાનો મળી રહ્યો છે અભાવ
આણંદ અર્બન હેલ્થ કેન્દ્ર પર નાગરિકોની મોટી ભીડ ભેગી થઈ ગઈ હતી. સ્થાનિકોને બારી બંધ હોવાથી લાંબો સમય લાઇનમાં ઉભા રહી રાહ જોવા ફરજ પડી હતી. આ કેન્દ્ર પર પણ ડોક્ટરની ઉપસ્થિતિ ન હોવાનું સામે આવતા સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ડોક્ટર પાસે એક કરતા વધુ દવાખાનાનો ચાર્જ હોવાથી તે ઉપસ્થિત નથી. આ સ્થિતિમાં રસી મુકાવવા આવેલા નાગરિકોને ડોક્ટરની ગેરહાજરીમાં રસી મુકાવી સંતોષ માનવો પડ્યો હતો. આ કેન્દ્ર પર 18 વર્ષથી મોટી ઉંમરના 35થી વધુ અને 45થી મોટી ઉમરના 130થી વધુ નાગરિકો રસી મુકાવી ગયા છે. ત્યારે આ કેન્દ્ર પર વ્યવસ્થાનો અભાવ હોવાનું નાગરિકોએ જણાવ્યું હતું.
લોકો રસી મુકાવી અન્યને રસી લેવા જાગૃત કરે
ETV Bharat દ્વારા પ્રજાની હાલાકી બાબતે અવાજ ઉઠાવતા ચિખોદરા કેન્દ્ર પરથી ડોક્ટર આણંદ અર્બન હેલ્થ સેન્ટર ખાતે દોડી આવ્યા હતા અને સ્થિતિ નિયંત્રણમાં લીધી હતી. આ ઉપરાંત, તેમણે રસીકરણની કામગીરી બાબતે માહિતી આપતા પ્રજાને અપીલ કરી હતી કે, આરોગ્ય કર્મચારીઓને સહકાર આપે અને રસી મુકાવી અન્યને રસી લેવા જાગૃત કરે.
આરોગ્ય કર્મચારીઓને સહયોગ આપવા અપીલ
આ મામલે, ડોક્ટર દીપલ દવેએ જણાવ્યું હતું કે, આજે સોમવારે તેમના અંદરમાં ચિખોદરા કેન્દ્ર, આણંદ અર્બન હેલ્થ સેન્ટર, રેડક્રોસ ખાતેનું કેન્દ્ર અને અમુલ ડેરીમાં ચાલતા રસીકરણના કેન્દ્રની જવાબદારી સોંપવામાં આવી હતી. જેથી ઓછા કર્મચારીઓને કારણે આ સ્થિતિ સર્જાઈ હતી. આ સાથે, અચાનક શરૂ થયેલા વરસાદને કારણે વ્યવસ્થા ખોરવાઈ હતી. આ ઉપરાંત, તેમણે પ્રજાને આરોગ્ય કર્મચારીઓને સહયોગ આપવા પણ અપીલ કરી હતી.
જિલ્લામાં કુલ 157 કેન્દ્રો પર રસીકરણની કામગીરી શરૂ
આણંદ જિલ્લામાં કુલ 157 કેન્દ્રો પર રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, આણંદ તાલુકામાં કુલ 42, કેન્દ્રો આંકલાવ તાલુકાના 13 કેન્દ્રો, બોરસદ તાલુકાના 31 કેન્દ્રો, ખંભાત તાલુકાના 21 કેન્દ્રો, પેટલાદ તાલુકાના 22 કેન્દ્રો, સોજીત્રા તાલુકાના 9 કેન્દ્રો, તારાપુર તાલુકાના 6 કેન્દ્રો અને ઉમરેઠના 13 કેન્દ્રોનો સમાવેશ થાય છે. આણંદ જિલ્લામાં આજે સોમવારે અંદાજીત 20,000 જેટલા નાગરિકો રસી મુકાવે તેવી શક્યતા રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: