- વટામણની 108ની ટીમે મહિલાની એમ્બ્યુલન્સમાં કરાવી ડીલીવરી
- રોહિણી અને ગુડેલ ગામની વચ્ચે જ મહિલાની ડીલીવરી કરાવી
- પ્રસુતા મહિલા સહિત બાળકનો આબાદ બચાવ
આણંદઃ ખંભાત તાલુકાના ભાલ પંથકના મીતલી ગામે પ્રસૂતા મહિલાને ડીલીવરીના છેલ્લા દિવસો જતા હોવાથી મહિલાની તબિયત એકાએક લથડતા મહિલાના પરિવારજનોએ 108માં ફોન કરતાં ગણતરીની મિનિટોમાં વટામણ 108ની ટીમ મીતલી ગામે પહોંચી જઈ તુરંત મહિલાને ખંભાતની સરકારી હોસ્પિટલમાં લઈ જવા રવાના થઈ હતી. મહિલાને હોસ્પિટલમાં લઇ જતી વખતે રસ્તામાં તબિયત વધુ બગડતાં રસ્તામાં જ ડીલીવરી કરાવવાની ફરજ પડી હતી. જોકે 108ના પાયલોટ તથા ડોક્ટરની સૂઝ અને કુનેહભરી હોશિયારીને કારણે 108માં મહિલાની નોર્મલ ડીલીવરી કરાવતા મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. બાળક અને માતા બંન્નેની તબિયત સ્વસ્થ હોવાનું જાણવા મળ્યુ છે.
આ પણ વાંચોઃ દર્દીનું ઓક્સિજન લેવલ નીચે જતા 108 એમ્બ્યુલન્સના કર્મીએ શ્વાસ આપી જીવ બચાવ્યો
માતા-બાળક બંન્ને સ્વસ્થ
આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ ખંભાતના મિતલી ગામે રહેતા કૈલાશ રાજુભાઈ ભરવાડ (ઉંમર વર્ષ 33)ને પહેલી બે ડીલીવરીમાં બે દીકરીઓ છે. આ તેમની ત્રીજી ડીલીવરીમાટે છેલ્લા દિવસો જતા હોવાથી કૈલાસ બેનની તબિયત બગડતાં 108માં ફોન કર્યો હતો. ફોન કોલથી તુરંત જ વટામણ 108ની ટીમના પાયલોટ પ્રદ્યુમનસિંહ ધુમમડ તથા ઇએમટી શાંતિ પરમાર મીતલી ગામે કૈલાસબેનના ઘરે પહોંચી ખંભાતની સરકારી હોસ્પિટલમાં ડીલીવરી કરાવવા રવાના થયા હતા. જો કે રસ્તામાં જ મહિલાની તબિયત બગડતા 108ના પાયલોટ પ્રદ્યુમનસિંહ તેમજ શાંતિ પરમારે રોહિણી અને ગુડેલ ગામની વચ્ચે જ મહિલાની 108 એમ્બ્યુલન્સમાં જ નોર્મલ ડીલીવરી કરાવી હતી. બાળક સહિત માતા બંને સ્વસ્થ હાલતમાં હોવાથી ભરવાડ પરિવારે 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ અંગે 108 એમ્બ્યુલન્સના પાયલોટ પ્રદ્યુમનસિંહ જણાવ્યું હતું કે, હાલમાં મહિલા સહિત બાળક બંને સ્વસ્થ હાલતમાં છે બંનેમાંથી કોઈને કોઈ તકલીફ નથી.