- સમગ્ર રાજ્યમાં રસીકરણ પહેલા તૈયારીઓ પુરજોશ
- ખંભાત તાલુકાના 3 કેન્દ્રો પર રસીકરણ ડ્રાય રન યોજાઇ
- આણંદ જિલ્લામાં ડ્રાય રનનું આયોજન હાથ ધરવામાં આવ્યું
આણંદઃ સમગ્ર રાજ્યમાં રસીકરણ પહેલા તૈયારીઓ પુરજોશમાં થઇ રહી છે. આજે સમગ્ર દેશમાં ડ્રાય રન યોજવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ખંભાત તાલુકાના ત્રણ કેન્દ્રો ઉપર આજે બ્લોક હેલ્થ ઓફિસર તથા અન્ય આરોગ્ય કર્મીઓની ઉપસ્થિતિમાં ડ્રાય રનનું આયોજન કરવામાં આવ્યું હતું અને રસીકરણ સાથે જોડાયેલા કર્મચારીઓને આ અંગે માહિતી પુરી પાડવામાં આવી હતી.
બ્લોક હેલ્થ ઓફિસરની હાજરીમાં ત્રણ કેન્દ્રો પર કાર્યક્રમ યોજાયો
આ અંગે બ્લોક હેલ્થ ઓફિસર પ્રજાપતિના જણાવ્યા મુજબ ખંભાતમાં કેનેડી હોસ્પિટલ, કાર્ડિયાક કેર સેન્ટર અને કાણીસા આરોગ્ય કેન્દ્ર ખાતે ડ્રાય રનનો કાર્યક્રમ યોજ્યો હતો. ખંભાત તાલુકામાં 50 વર્ષથી ઉપરના 58,000 તથા હેલ્થ કર્મીઓ 900 અને ફ્રન્ટલાઈન વર્કર 3400 કુલ મળીને 62 હજાર 300 લોકોને ટૂંક સમયમાં રસી આપવામાં આવનાર છે. જેને લઇ આજે ખંભાત તાલુકા કક્ષાએ ડ્રાય રનનું આયોજન હાથ ધરાયું છે.
કોરોના વેક્સિન અંગેની માહિતી આપાઇ
સ્થાનિક અધિકારીઓ તથા આરોગ્ય ટીમની ઉપસ્થિતિમાં મોકડ્રીલ રસીકરણ સાથે જોડાયેલા કર્મચારીઓને માહિતી પુરી પાડવામાં આવી હતી. રસીકરણ કેન્દ્ર પર રસી મુકાવવા આવનાર જે તે વ્યક્તિનું પહેલેથી જ રજિસ્ટ્રેશનને આધારે તે વ્યક્તિના મોબાઇલમાં એક SMS આપવામાં આવે છે. જે SMS માં દર્શાવેલ જે તે તારીખ અને સમયે જે તે કેન્દ્ર ઉપર રસી મુકાવવા જણાવવામાં આવે છે. દરેક કેન્દ્રો પર સૌપ્રથમ પોલીસ કર્મી દ્વારા રજિસ્ટ્રેશન, નામની યાદીની ચકાસણી કરી જે તે વ્યક્તિનો આધારકાર્ડ નંબર મેળવી, ચેક કરી બાદ રસી મૂકવામાં આવે છે. રસી મુક્યા બાદ 30 મિનિટ સુધી બાજુના રૂમમાં રાખવામાં આવે છે જો કોઈ આડઅસર નોંધાય તો તુરંત આરોગ્ય કર્મી દ્વારા યોગ્ય સારવાર પણ આપવામાં આવે છે.