આણંદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી અને નગરપાલિકા સંચાલિત કુમાર શાળા નંબર - 27 તથા કન્યા શાળા નંબર - 28માં નેચર એન્ડ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એસોસિયેશન (NEPA), રાષ્ટ્રીય સેવા યોજના (NSS), અને વી.પી એન્ડ આર.પી.ટી.પી સાયન્સ કોલેજના સ્વયંસેવકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ વૃક્ષોનું જતન, ઉછેર જે તે શાળાના ઇકો ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે તેવી ખાતરી શાળાના આચાર્ય તરફથી આપવામાં આવી હતી.
વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન NEPA અને NSSના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું. જેમાં વૃક્ષના રોપા, ટ્રી-ગાર્ડ અને ખાડા ખોદવાના મશીન માટે આણંદ નગરપાલિકાનો ખરા અંત:કરણથી સહયોગ પ્રાપ્ત થયો હતો.
આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબહેન પટેલ, આણંદ નગરપાલિકાના સભ્ય વિજયભાઈ પટેલ, પ્રજ્ઞેશભાઈ પટેલ, હેતલબેન દરજી તથા બંને શાળાના આચાર્ય ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ચિન્મય દવે, જીતેન્દ્ર રાવલ,રીતેશ પટેલ (NEPA) અને ડૉ.રાજીવ ભટ્ટી (NSS) દ્વારા કરવામાં આવ્યું હતું.