આણંદ: મળતી મહિતી મુજબ આણંદ રૂરલ પોલીસના જમાદાર બલ્લુભાઈ વાલજીભાઈ હોમગાર્ડ જવાનો લાલજીભાઈ, ગીરીશભાઈ, શૈલેષભાઈ તથા લોકરક્ષક કિશનભાઈ લાખાભાઈ અને નરેશભાઈ બળદેવભાઈ સાથે બોરીયાવી ચેકપોસ્ટ ઉપર નાઈટ ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન રાત્રીના પોણા અગિયાર વાગ્યાના સુમારે અમદાવાદ તરફથી એક ટેમ્પો નંબર એમએચ-40 એકે-7123 આવી ચઢતા પોલીસે તેને રોકવા ઈશારો કરતાં જ ચાલકે ઉભી રાખવાની જગ્યાએ પુરપાટ ઝડપે હંકારી મુકી હતી અને પોલીસ જવાનો ઉપર ટેમ્પો ચડાવી બેરિઅર તોડીને ભાગ્યો હતો.
ત્યારબાદ પોલીસે તુરંત જ PSI આઈ. એન. ઘાસુરા તથા કન્ટ્રોલમાં જાણ કરતાં જ પોલીસની ટીમોએ ચિખોદરા ચોકડીએ નાકાબંધી કરી દીધી હતી. આ દરમ્યાન ટેમ્પો આવી ચઢતાં તેને આંતરીને ઉભો રાખવાની ફરજ પાડી હતી. પોલીસે ટેમ્પાના ચાલકનું નામઠામ પુછતાં તે નાગપુર ખાતે રહેતો સંજયભાઈ હરિસિંગભાઈ યાદવ હોવાનું ખુલવા પામ્યું હતુ.
ખેડા જિલ્લાના કનેરા ગામે આવેલી ફેક્ટરીમાંથી તેણે પેપરના રોલ ભર્યા હતા અને નાગપુર ડિલીવરી આપવા માટે જઈ રહ્યો હોવાની કબુલાત કરી હતી. પોલીસે તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરીને ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.