આણંદઃ કૃષિ યુનિવર્સિટી ખાતે જીમખાના મેદાનમાં પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં અધ્યક્ષસ્થાને ગુજરાત રાજ્યના રાજ્યપાલ અને આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા. સાથે ગુજરાત રાજ્યના પ્રધાન જયદ્રથસિંહ પરમાર, નવી દિલ્હીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ કૃષિ અને શિક્ષણ વિભાગના ડૉક્ટર આરતી અગ્રવાલ ઉપસ્થિત રહી પદવી ધારકોને દીક્ષાંત પ્રવચન આપ્યું હતું.
આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા સમારંભમાં યુનિવર્સિટીના કૃર્ષિ પશુપાલન ડેરી પ્રોસેસિંગ ટેકનોલોજી, બાયો એનર્જી કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી અને ઇન્ટરનેશનલ એગ્રી બિઝનેસ મેનેજમેન્ટ વિદ્યાશાખાના સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના 719 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી તથા 99 તેજસ્વી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.
આ સાથે યુનિવર્સિટીમાં શિક્ષણ અને સંશોધન ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વૈજ્ઞાનિકો અને અધ્યાપકોને પણ બેસ્ટ ટીચર એવોર્ડ અને બેસ્ટ એક્સ્ટેંશન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે યુનિવર્સિટીના કુલાધિપતિ આચાર્ય દેવવ્રત દ્વારા વિદ્યાર્થીઓને સંબોધતા ટકોર સાથે શિસ્તના મહત્વ અંગે જ્ઞાન આપવામાં આવ્યું હતું. સાથો સાથ આચાર્ય દેવવ્રત દ્વારા પ્રાકૃતિક કૃષિને મહત્વ આપી રાસાયણિક કૃષિને શક્ય હોય તેટલું નહિવત્ ઉપયોગમાં લેવા માટે જાગૃતતા લાવવા વિદ્યાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો જૈવિક ખેતી થકી થતા ફાયદા તથા કૃષિક્ષેત્રે લાવા યોગ્ય બદલાવને સમજાવતા તેમણે તેમના અનુભવો વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કર્યા હતા.