ડો.ઉમા શર્મા ગરીબ બાળકોને આપે છે અક્ષરજ્ઞાન
શ્રમજીવી પરિવારના 40 બાળકોને જીવનમાં ધ્યેય પ્રાપ્ત કરાવ્યા
નિઃસ્વાર્થ ભાવે ગરીબ બાળકોને ભણાવે છે ડો.ઉમાબેન
આણંદઃ વર્તમાન સમયમાં બાળકોને સારું શિક્ષણ આપવું તે સામાન્ય પરિવારો માટે અતિ ખર્ચાળ સાબિત થાય છે. ખાનગી શાળામાં સુવિધાઓ અને સાધનોથી સજ્જ હોવાથી બાળકો સારું શિક્ષણ મેળવી શકે છે. આવું બાળકોના વાલીઓની પણ ક્યાંક માનસિકતા બંધાય ગઈ હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે શહેરમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ઉમા શર્માએ ફુટપાથ પર રહેતા બાળકોને નિઃસ્વાર્થ ભાવે શિક્ષણ આપવાની શરુઆત કરી છે.
આણંદમાં 40 બાળકોને કારકિર્દી બનાવવાના સ્વપન જોતા કર્યા
ઘણા કિસ્સામાં ખુબજ ઓછી સુવિધાઓ સાથે અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ જીવનમાં ખૂબ ઊંચા હોદ્દા પર પહોંચવામાં સફળતા મેળવતા હોય છે. આવા જ એક કિસ્સામાં આણંદમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ઉમા શર્માએ તેમના ભુતકાળના સ્મરણોએ આજે શહેરમાં 40 જેટલા શ્રમજીવી બાળકોને જીવનમાં કારકિર્દી બનાવવાના સ્વપન જોતા કર્યા છે.
દ્રશ્ય જોઈને બાળપણના સ્મરણો નજર સમક્ષ તરી આવ્યા
ડો.ઉમાબેન જ્યારે આણંદમાં આવેલા રાજ માર્ગ પર વોક પર નીકળ્યા હતા. ત્યારે થોડા બાળકોને રોડ પર ચોક થી લીટા કરતા જોયા હતા. આ દ્રશ્ય જોઈને પ્રોફેસર ઉમા શર્માને તેમના બાળપણના સ્મરણો તેની નજર સમક્ષ તરી આવ્યા હતા, ઉમાબેનનું બાળપણ આ બાળકોની જેમ જ ફૂટપાથ પર વીત્યું હતું. પરંતુ જીવનમાં કંઈક બનવાની ઈચ્છા અને ભણવાની કાળજીના કારણે તેઓએ આજે PHD સુધીની ઉચ્ચ પદવી મેળવી પ્રોફેસરની નોકરી કરી રહ્યા છે. આ બાળકોને જોઈ પોતાનું બાળપણ યાદ આવી જતા બાળકો માટે કંઈક કરવાની ઝંખના થઈ હતી. ત્યારથી આ કાર્ય ઉમાબેનના જીવનનું વિભિન્ન અંગ બની ગયું છે.
બાળકો અક્ષર જ્ઞાન મેળવવા માટે આવવા લાગ્યા
ડો. ઉમાબેન જૂન 2019થી આણંદમાં રોડની સાઈડમાં આવેલી ફૂટપાથ પર શ્રમજીવી પરિવારના બાળકોને ભણવામાં મદદ કરવાની શરૂઆત કરી હતી. આ કાર્યની શરુઆત બાદ જોત જોતામાં 40 જેટલા બાળકો અક્ષર જ્ઞાન મેળવવા માટે આવવા લાગ્યા છે. ઉમા બેન રોજ સાંજે 6 વાગ્યા થી દોઢ બે કલાક બાળકો માટે ફાળવવા લાગ્યા હતા. આ બાળકોને જીવનમાં કંઈક ચોક્કસ સ્તરે પહોંચવા માટે અને કારકિર્દીના સ્વપન સાકાર કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને બાળકોએ પણ તે દિશામાં આગળ વધવા માટે એટલા જ ઉત્સાહ પૂર્વક મહેનત કરતા થયા છે. માર્ચ માસમાં આવેલી વૈશ્વિક મહામારી કોરોનાના કારણે ઉમાબેનની આ નિઃસ્વાર્થ સેવા પ્રવૃત્તિ સદંતર બંધ થઈ ગઈ હતી. આ શ્રમજીવી બાળકો પાછા ધીરે ધીરે શિક્ષણના મહત્વને ભુલી રહ્યા હોય તેમ ગરીબીના ભાર નીચે હકના શિક્ષણથી દુર થઈ ગયા હતા.
કોરોનાના કારણે ઉમાબેનની સેવા પ્રવૃત્તિ થઈ હતી સ્થગિત
કોરોનાના કારણે માર્ચ મહીનાથી જ ઉમાબેનની સેવા પ્રવૃત્તિ સ્થગિત થઈ ગઈ હતી. જેની નકારાત્મક અસર બાળકો પર જોવા મળી હતી. આ બાળકો અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા હોવાથી કોરોનાના કારણે જ્યારે સરકારે ઓનલાઈન શિક્ષણ આપવા પર ભાર આપ્યો હતો. જેથી વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે નહીં પરંતુ આવા શ્રમજીવી પરિવારો પાસે અપૂરતી સુવિધાઓ અને વિકલ્પો ના રહેતા બાળકોને છેલ્લા 8 માસથી કોઈ અભ્યાસ કરી શકયા ન હતા. આજે અભ્યાસથી લાંબો સમય સુધી દૂર રહેવાથી બાળકોના ભવિષ્ય માટે જોખમ વધી રહ્યું હતું.
બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે અસમર્થ
બાળકોના પરિવારમાં સુવિધાઓના અભાવ અને ઓનલાઈન શિક્ષણ મેળવવામાં અસમર્થ અને નિર્વિકલ્પ બનેલા આ બાળકો માટે ઉમાબેન દ્વારા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી કોરોના માર્ગદર્શિકાનેે ધ્યાને રાખી બાળકો શિક્ષણથી દુર ન થઈ જાય અને તેમના જોયેલા સ્વપનોને સાકાર કરવામાં અડચણ ન આવે તે માટે આ શ્રમજીવી પરિવારના બાળકોને અભ્યાસ કરવામાં મદદરુપ થવાનુંં શરૂ કરવામાં આવ્યું છે.
બાળકોને કોરોના માટે જરૂરી સાવચેતીઓ અંગે જાગૃત કરાયા
ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા કોરોના મહામારીની ગંભીરતાને ધ્યાને રાખી જાહેર કરવામાં આવેલા લોકડાઉન અને ત્યારબાદ ઠપ થયેલા શૈક્ષણિક કાર્યને ઓનલાઈન ટેકનોલોજીના માધ્યમથી ચાલુ કરવામાં આવ્યું હતુ. પરંતુ જ્યાં કોઈ મોબાઈલ કે ઈન્ટરનેટ જેવી સુવિધા ન હોય તેવા પરિવારના બાળકો માટે અભ્યાસ કરવો મુશ્કેલ થઈ ગયો હતો. ત્યારે આવા પરિવારોના બાળકોની ચિંતા કરી આણંદના ડો.ઉમાબેન દ્વારા નિયમોને ધ્યાને રાખી શિક્ષણ આપવાની સાથે કોરોના માટે જરૂરી સાવચેતીઓ અંગે પણ જાગૃત કરવામા આવી રહ્યા છે.
સ્થાનિકો દ્વારા ઉમા શર્માના ઉમદા પ્રયત્નની પ્રશંસા
આજે આણંદના રાજમાર્ગ પરથી પસાર થતાં સ્થાનિકો પણ ઉમાબેનના આ ઉમદા પ્રયત્નની પ્રશંસા કરી રહ્યા છે. આ ગરીબ બાળકો આવનારા સમયમાં તેમના જોયેલા સ્વપનો સાકાર કરવામાં સફળ બને અને તેના માટે પ્રોફેસર ઉમાબેનના પ્રયત્નોને પ્રોત્સાહિત કરે છે.