- આણંદની રાધાકૃષ્ણ ઉપવન સોસાયટીમાં અકસ્માત
- કારચાલકે પાડોશીના પુત્રને લીધો અડફેટે
- એક જ ઘરના 2 બાળકો થયા ઈજાગ્રસ્ત
આણંદઃ શહેરની મધ્યમાં આવેલા રાજ શિવાલય ટોકીઝ પાસેની સોસાયટીમાં રમતા બાળકને એક કાર ચાલક દ્વારા અડફેટે લેવામાં આવ્યું છે. જેથી બાળકનું મોત નિપજ્યું છે.
બાળકનું મોત
પ્રાપ્ત માહિતી અનુસાર રાધાકૃષ્ણ ઉપવન સોસાયટીમાં રહેતા અજય ગોહિલના પુત્ર શિવાંશ ગોહિલને પાડોશમાં જ રહેતા દીપક ભાવસાર નામના વ્યક્તિએ પોતાની ગાડીની અડફેટે લઇ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જેમાં સારવાર દરમિયાન દોઢ વર્ષના બાળકનું કરૂણ મોત નીપજતાં પરિવાર પર આભ ફાટી પડ્યું છે.
બાળક દિવાલ અને કાર વચ્ચે ફસાયો
અજય ગોહિલનો 1.5 વર્ષનો પુત્ર બાળકો સાથે સોસાયટી પરિસરમાં રમતો હતો. આ દરમિયાન કાળમુખો બની આવેલા પાડોશી ડ્રાઇવરની લાપરવાહીએ બાળકનો ભોગ લીધો હતો. આ અંગે મૃતકના પરિવારે જણાવ્યું કે, તેમની જ પાડોશમાં રહેતા દિપક ભાવસારની લાપરવાહીના કારણે તેમનો પુત્ર દિવાલ અને કાર વચ્ચે ફસાયો હતો. જેથી સોસાયટીના અન્ય સભ્યો દ્વારા શીવાંશને તાત્કાલિક ગાડી અને દીવાલ વચ્ચેથી બહાર કાઢી આણંદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે.
ડ્રાઈવરની અટકાયત
અકસ્માત થતાં અજય ગોહિલના ભાઈ વિજય ગોહિલની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી દિપક ભાવસારની અટકાયત કરી છે.