- આણંદમાં સુપર માર્કેટ પાસેના દબાણ પર તંત્રની લાલ આંખ
- નગરપાલિકા દ્વારા ભરવામાં આવ્યા પગલા
- ટૂંકી ગલી અને માર્કેટમાંથી દબાણો હટાવાયા
આણંદઃ શહેરના રેલવે સ્ટેશન નજીક આવેલા સુપર માર્કેટ વિસ્તારમાં વર્ષોથી ઊભા કરાયેલા દબાણોને દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વેપારીઓ દ્વારા ગેરકાયદેસર દુકાનની બહાર બનાવેલા ઓટલા તથા છાપરાના દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરાઇ હતી. વેપારીઓ દ્વારા નગરપાલિકાની કાર્યવાહી બાદ સ્વૈચ્છિક દુકાન બહાર થયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આણંદ સુપરમાર્કેટ પાછળ આવેલા રસ્તા પર પાથરણાવાળા દ્વારા ભારે દબાણ ઊભું કરવામાં આવે છે. જે માર્ગને દબાણના કારણે ટૂંકી ગલીના નામથી ઓળખવામાં આવે છે. ત્યારે આજે નગરપાલિકાની કાર્યવાહી બાદ ટૂંકી ગલી પહોળી બની હતી.
- વહીવટીદાર ગૌરાંગ પટેલે ETV BHARATને જણાવ્યું કે...
આ અંગે નગરપાલિકાના વહીવટદાર ગૌરાંગ પટેલે ETV BHARATને માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં આ પ્રમાણે ઊભા થતા દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આવનાર સમયમાં આ સમસ્યાનું કાયમી ધોરણે સમાધાન આવે તે પ્રકારની વ્યવસ્થા નગરપાલિકા દ્વારા ઉભી કરવામાં આવશે.
- હાલ નગરપાલિકામાં વહીવટી સાશન
ઉલ્લેખનીય છે કે, આણંદની ટૂંકી ગલીમાં ગેરકાયદેસર દબાણના કારણે આ વિસ્તારમાં ભારે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોય છે. જેના કારણે અનેક અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે. આગામી દિવસોમાં નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. હાલ આણંદ નગરપાલિકા વહીવટદારના હાથમાં હોવાથી આ દબાણો દૂર થયા હતા. આવનાર સમયમાં વોટબેંકની રાજનીતિની આડમાં પૂન: આ દબાણો ખડકાઈ નહીં તે રીતના વહીવટદાર દ્વારા કયા પ્રકારના પગલાં ભરવામાં આવે છે તે જોવું રહ્યું.