આગ ઝરતી ગરમીનાં કારણે બપોરના સમયે આણંદ શહેરનાં માર્ગો પર અવર જવર પાંખી થઈ ગઈ હતી. લોકોએ કામ સિવાય ઘરની બહાર નિકળવાનું ટાળ્યું હતું. વધુમાં લોકો ગરમીથી રાહત મેળવવા માટે સરબત સહીત ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. શહેરનાં જુના બસ સ્ટેન્ડ, બોરસદ ચોકડી, ગણેશ ચોકડી જેવા વાહન વ્યવ્હારથી ધમધમતા માર્ગો પર બપોરસમયે વાહનોની અવરજવર ઘટી ગઈ હતી.
ગત અઠવાડિયામાં વેસ્ટર્ન ડિસ્બન્સના કારણે વાદળો મંડરાવા સાથે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જેથી તાપમાનનો પારો ઘટતા આકરી ગરમીથી થોડી રાહત સાંપડી હતી, પરંતુ વાદળો હટી જતા પુન: તાપમાનનો પારો વધુ ઉંચે જવાથી દાહક ઉનાળો અનુભવાઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી દિવસોમાં ચરોતર વિસ્તારમાં તાપમાનનો પારો 43 ડીગ્રીને સ્પર્શવાની તૈયારી છે. જેથી અસહ્ય ગરમી સાથે ચરોતર રેડ એલર્ટ કેટેગરીમાં મૂકાશે. ત્યારે લૂ અને ઋતુજન્ય બીમારીથી બચવાના ઉપાયો કરવા જોઇએ. જેમાં વધુ પ્રમાણમાં પાણી પીવું, રસદાર ફળો તેમજ સનસ્ટ્રોકની અસર જણાય તો, તુરંત ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. હાલ ગરમીમા રક્ષણ મેળવા તળબુચ, શેરીડીનો રસ તેમજ ઠંડા પીણાનો વધુ લોકો વધુ ઉપયોગ કરતા હોય છે.
ડૉક્ટરની સલાહ મુજબ ગરમીમાં બપોરના સમયે બહાર નિકળવવાનુ ટાળવુ જોઈએ, અને જો જવુ પડે તો સુર્યના કિરણો સીધા શરીર પર ના પડે તેવા કપડા પહેરવા જોઈએ. તેમજ ગરમીમાંથી આવ્યા પછી ઠંડુ પાણી તરત ના પીવુ જોઈએ, ગરમીમા લીબું, ખાંડ અને મીઠાનું પ્રવાહી બનાવી પીવુ જેથી ડી હાઇડ્રેશન થતુ અટકી શકે છે. તેમજ પાણી વાળા ફ્રુટ્સનો ઉપયોગ કરવો જોઈએ.