ફરીયાદ બાદ તેને આણંદ સિવિલ કોર્ટ ખાતે લઈ જવામાં આવ્યો હતો. જજ દ્વારા રાહુલને જ્યુડીસીઅલ કસ્ટડીમાં લેવા માટે વોરંટ આપવામાં આવ્યો હતો. જેથી આણંદ ટાઉન પોલીસ દ્વારા જામીન નહિ મળતાં આરોપીને આણંદની સબજેલ ખાતે સાંજના સમયે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. સવારના 6 કલાકે જેલમાં બ્રેકનો સમય હોય, ત્યારે અધિકારી દ્વારા 11 કેદીઓને બેરેકમાંથી બહાર કાઢ્યા હતાં. જેમાં રાહુલ બેરેકમાંથી બહાર ન આવતા તેની તપાસ કરવામાં આવી હતી. જ્યાં માલૂમ થયુ હતું કે મારામારીના ગુનામાં અટકાયત કરાયેલા રાહુલ ભરવાડ તો મૃત્યુ પામેલ છે.
આ સમગ્ર ઘટના અંગે પરિવારને જાણ કરવામાં આવી ત્યારે મોટી સંખ્યામાં જેલ પરિષદમાં પરિવારજનોના ટોળા એકઠા થઇ ગયા હતાં. આણંદ DYSP બીડી જાડેજા સહિત પોલીસ અધિકારી ઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં, ત્યારે મૃત રાહુલની શંકાસ્પદ મોતને લઈ અનેક તર્ક-વિતર્કો સર્જાયા હતાં.
રાહુલના પરિવારે જણાવ્યું હતું કે રાહુલ બિલકુલ સ્વસ્થ હતો, જ્યારે તેને જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો, ત્યારે સરકારી મેડિકલ ટેસ્ટમાં પણ તેનું શરીર બિલકુલ સામાન્ય પરિસ્થિતિમાં હતું, ત્યારે અચાનક તેને મૃત જાહેર કરતા આણંદ શહેરમાં ચકચાર મચી ગઈ હતી.
હજુ થોડા સમય પહેલાં જ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથની ઘટના પર પોલીસ કોઇ જ પ્રકારની સ્પષ્ટતા આપી શકી નથી, ત્યારે ગણતરીના દિવસોમાં આણંદ સબ જેલમાં મારામારીના ગુનામાં પકડાયેલા આરોપીના મોતને કારણે જેલ પ્રશાસન અને પોલીસ વિભાગની કામગીરી પર સવાલો ઉઠવા લાગ્યા હતાં.