- SPU SSIP Navadhara નું ઓનલાઈન ઉદ્ઘાટન
- ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ઇ-ઉદ્ઘાટન કર્યું
- 1956માં સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી
- કુલ 2.5 કરોડનું ભંડોળ સ્ટુડન્ટસ સ્ટાર્ટઅપ માટે એકઠું થયું
આણંદ: સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) સેન્ટરનું ઓનલાઈન ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારંભમાં ગુજરાત રાજ્યના ઉચ્ચશિક્ષણના અગ્ર સચિવ અંજુ શર્મા અતિથી વિશેષ તરીકે, વિશિષ્ટ મેહમાન તરીકે ઉચ્ચ શિક્ષણના ડાયરેક્ટર એમ.નાગરાજન તથા આમંત્રિત મેહમાન તરીકે સંયુક્ત કમિશ્નર નારાયણ મધુ ઉપસ્થિત રહ્યા હતા.
ભારતનાં પ્રથમ નાયબ વડાપ્રધાન અને ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઇ ઝવેરભાઈ પટેલનાં નામ સાથે સંકળાયેલી સરદાર પટેલ યુનિવર્સિટી ચરોતર પ્રદેશની આર્થિક-સામાજિક ઉન્નતિ માટે હંમેશા કાર્યરત છે. 1956માં સરદાર પટેલ યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી જ યુનિવર્સિટી શહેરી અને ગ્રામીણ પ્રજાજનોને શિક્ષણ આપી રહી છે.
![સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી સેન્ટરનું ઉદ્ઘાટન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01:05:29:1606030529_gj-and-inauguration-of-student-startup-and-innovation-policy-center-at-sardar-patel-university-dry-7205242_22112020121510_2211f_1606027510_1011.jpg)
ગુજરાત સરકારે 2017થી સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસીનો આરંભ કર્યો છે. આ પોલિસીનો ઉદ્દેશ ગુજરાતનાં વિદ્યાર્થીઓને પાયાના સંશોધન અધ્યયનની સાથે સાથે ઉદ્યોગ સાહસિકતાનો અવસર પૂરો પાડવાનો છે. ગુજરાતનાં યુવાનો પાસે નવા નવા આઈડિયાઝ છે, સામર્થ્ય પણ છે, ઉદ્યોગ સાહસિકતા પણ છે , પરંતુ આર્થિક સહાય અને ઉદ્યોગ સ્થાપન માટેનાં માર્ગ દર્શનનો અભાવ છે. આ નીતિનો હેતુ યુવાનોને એમના અભ્યાસ દરમ્યાન તેમજ એ પછીનાં વર્ષો સુધી ઉદ્યોગ સ્થાપનાને લગતો આર્થિક સહયોગ અને માર્ગદર્શન પુરો પાડવાનો છે. આના પરિણામે યુવાનોમાં ઉદ્યોગ સાહસિકતાનો પુરેપુરો વિકાસ થાય એવુ અપેક્ષિત છે
બે કરોડ રૂપિયા સરદાર પટેલ યુનિવર્સિટીને ફાળવવામાં આવ્યા
ગુજરાત સરકાર દ્વારા SSIP અંતર્ગત બે કરોડ રૂપિયા સરદાર પટેલ યુનિવર્સિટીને ફાળવવામાં આવ્યા છે. યુનિવર્સિટી પોતે આ SSIP પ્રોગ્રામને સહાયભૂત થવા માટે પોતાના તરફથી 50 લાખ રૂપિયા ઉમેરી રહી છે. આમ, આવનારા પાંચ વર્ષોમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં કુલ 2.5 કરોડ રૂપિયા SSIP પ્રવૃતિ માટે ઉપલબ્ધ થયા છે. યુનિવર્સિટીએ આ કાર્યક્રમનું નામકરણ SPU SSIP Navadhara રાખ્યું છે. આ રીતે સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે SSIP પ્રવૃતિની નવી ધારા વહેવાની છે.
![સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી સેન્ટરનું ઉદ્ઘાટન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/01:05:27:1606030527_gj-and-inauguration-of-student-startup-and-innovation-policy-center-at-sardar-patel-university-dry-7205242_22112020121510_2211f_1606027510_393.jpg)
5000 સ્ક્વેર ફૂટનાં વિસ્તારનું સ્વતંત્ર SSIP સેન્ટર વિકસાવ્યું
આ નીતિ અંતર્ગત વર્ષ 2016 પછીનો કોઈ પણ વિદ્યાર્થી નવા વિચાર સાથે ઉદ્યોગ સ્થાપવા માટે આ સેન્ટરનો સંપર્ક કરી શકે છે.જેથી યુવા માનસનાં ઈનોવેટિવ આઈડિયાઝની નવધારા ઉદ્યોગ સાહસિકોને જોબ સીકર (નોકરીની માંગનારાઓ) ને બદલે જોબ ક્રિએટર (નોકરીનું સર્જન કરનારા) બનાવશે. SPU-SSIP નવધારાએ 5000 સ્ક્વેર ફૂટનાં વિસ્તારનું સ્વતંત્ર SSIP સેન્ટર વિકસાવ્યું છે. આ સેન્ટર ખાતે વિદ્યાર્થી આવીને પોતાના વિચારોને નવી દિશા આપી શકે છે. આ સેન્ટર વિદ્યાર્થી કેન્દ્રી સુવિધાયુક્ત સ્થાન બની રહેશે. એ વિદ્યાર્થીઓને પોતાના આઈડિયાઝને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરવા માટે આશિર્વાદરૂપ બની રહેશે.
27 અનુસ્નાતક વિભાગો અને યુનિવર્સીટી સંલગ્ન 148 કોલેજોના વિદ્યાર્થીઓને લાભ મળશે
આ કેન્દ્રના ઉદ્ઘાટન પ્રસંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ જણાવ્યું કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી (SSIP) સેન્ટર ( SPU SSIP Navadhara ) કેન્દ્રમાં યુનિવર્સીટીનાં 27 અનુસ્નાતક વિભાગો અને યુનિવર્સીટી સંલગ્ન 148 કોલેજોના વિદ્યાર્થીઓને લાભ મળશે. યુનિવર્સીટીના વિભાગોના તમામ વડાઓને તેમજ યુનિવર્સીટી સંલગ્ન કોલેજોના આચાર્યોને આ નવધારા પ્રોજેક્ટને સહયોગ કરવા માટે અને પોતાના વિદ્યાર્થીઓને આ માટે પ્રેરણા પૂરી પાડવા માટે વિનંતી કરવામાં આવી હતી. આ પ્રસંગે હું યુનિવર્સીટીનાં સમગ્ર પરિવારને આ પ્રોજેક્ટમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાવવા માટે ધન્યવાદ પાઠવું છું. SPU-SSIP- નવધારાને ભવિષ્યમાં વધારે ને વધારે ઉંચાઈઓ સર કરવા માટે, સીમાંચિહ્ન પ્રાપ્ત કરવા માટે શુભેચ્છા ઓ પાઠવું છું. આ પ્રોજેક્ટને લીધે આ પ્રદેશનાં વિદ્યાર્થીઓ પોતાના જીવન સંગ્રામમાં પગભર થશે અને વિજયી નીવડશે
15 જેટલી દરખાસ્ત આવી
સરદાર પટેલ યુનિવર્સીટીના આ સેન્ટર અંતર્ગત હાલ 15 જેટલી દરખાસ્ત આવી ગયી છે. જે માટે હવે સ્ક્રુટીની કમિટી બેસીને નક્કી કરીને વિદ્યાર્થીને ઉદ્યોગ સ્થાપવા માટે સહાય કરશે. ઉદ્યોગ સ્થાપવા માટે નવીનતા હોવી ખુબ જ અગત્યની છે.