- આણંદના હાડગુડમાં યોજાઇ રોડની શોક સભા
- સાંજના સમયે ગામના નાગરિકોએ કર્યું આયોજન
- તંત્રની આંખ ખોલવાનો અનોખો પ્રયાસ
- રોડ બન્યાને ગણતરીના દિવસોમાં બન્યો બિસમાર
આણંદઃ હાડગુડ ગામે થોડા સમય અગાઉ 14મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવેલો રોડ બિસમાર હાલતમાં ફેરવાઈ જતા ગામના નવયુવકોએ રોડની બન્ને તરફ મીણબત્તીઓ પ્રગટાવી રોડની શોક સભા યોજી રોડને ફરીથી બનાવવા માગ કરવામાં આવી હતી. હાડગુડ ગામમાં પોસ્ટ ઓફિસથી ભાથીજી મંદિર સુધી 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી નિર્માણ પામેલા આરસીસી રોડ પાંચ વર્ષની અથાગ મહેનત અને અનેક પ્રયત્નો બાદ બનાવાયો હતો.
આ પણ વાંચોઃ આણંદ ગ્રામ્ય વિસ્તારોમાં ખરાબ રસ્તાઓથી લોકો પરેશાન
ગ્રામજનોએ રોડને પુનઃ નવનિર્મિત કરવા માગણી ઉચ્ચારી હતી
આ રોડ બન્યા પછી એકદમ ટૂંકાગાળામાં ફક્ત ગણતરીના દિવસોમાં જ તૂટી જતા હાડગુડ ગ્રામ પંચાયતની પોલ ખુલી જવા પામી હતી. પંચાયતના સત્તાધીશોએ રોડમાં મસમોટી ખાયકી આચરી હોવાના આક્ષેપો સાથે ગ્રામજનોએ રોડને પુનઃ નવનિર્મિત કરવા માગણી ઉચ્ચારી હતી.
રોડની આત્માની શાંતિ માટે મીણબત્તીઓ સળગાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું
વારંવાર ગ્રામપંચાયતથી તાલુકા પંચાયત સુધી ધક્કા ખાઈને ગ્રામજનો થાકી ગયા હતા. આખરે ના છૂટકે જાગૃત નાગરિકોએ ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનનું રણશીંગુ ફૂંકી દીધું હતું. જે અંતર્ગત સાંજે જાગૃત ગ્રામજનોએ ભેગા થઈ રોડની બન્ને સાઈડ મીણબત્તીઓ રાખી RIPના નારા સાથે તાજા બનેલા રોડની આત્માની શાંતિ માટે સોશિયલ ડિસ્ટનસિંગ સાથે મીણબત્તીઓ સળગાવી સજ્જડ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગામના જાગૃત નવયુવકોએ રોડને પુનઃ એકવાર નવા બનાવવાની માગ કરી હતી
ગ્રામ પંચાયત દ્વારા બનાવાયેલો આરસીસી માર્ગ ખૂબ જ ટૂંકા ગાળામાં ખખડધજ થઈ જતા ગ્રામજનોએ રોડમાં મોટી ખાયકી થઈ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જો કે, ગામના જાગૃત નવયુવકોએ રોડને પુનઃ એકવાર નવા બનાવવાની માગ સાથે ઉચ્ચ કક્ષાએ અનેક વખત મૌખિત તેમજ લેખિત ફરિયાદો કરવામાં આવી હતી. તેમ છતાં તંત્રના પેટનું પાણી પણ ન હાલતા હાડગુડના યુવકો દ્વારા રોડને મૃત જાહેર કરી તેની શોક શભા યોજવામાં આવી હતી.
મીણબત્તીઓ સળગાવી રોડને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
હાડગુડ ખાતે અનોખી રીતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ગામના યુવાનોએ રોડની બન્ને બાજુએ મીણબત્તીઓ સળગાવી રોડને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ કુંભકર્ણની નિદ્રામાં પોઢી ગયેલા તંત્રને જગાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં ભારે વરસાદને કારણે રસ્તાઓની બિસ્માર હાલત
રોડનું નવનિર્માણ હાથ ધરવામાં નહિ આવે, ત્યાં સુધી લડત ચાલુ રહેશેની ચીમકી આપી
અત્રે નોંધનીય છે કે, ઉત્સાહિત યુવકોએ તંત્ર દ્વારા જયાં સુધી રોડનું નવનિર્માણ હાથ ધરવામાં નહિ આવે, ત્યાં સુધી લડત ચાલુ રહેશેની ચીમકી પણ ઉચ્ચારી હતી. કેટલાક લોકોએ હાડગુડ ગ્રામ પંચાયત ભ્રષ્ટાચારની અડફેટે ચઢી ગઈ હોવાના આક્ષેપો કરતા હાડગુડ ગામે ભારે ચકચાર વ્યાપી જવા પામ્યો છે.