- મરીયમપુરા વોર્ડ નંબર-3 ના રહીશોએ કરી રજૂઆત
- 50થી વધુ પરિવારની મહિલાઓએ આપ્યું આવેદનપત્ર
- રસ્તા અને ગટરના પાણીના નિકાલ સહિત પ્રાથમિક જરૂરીયાતોની કરી માગણી
આણંદ: ખંભાતમાં વોર્ડ નંબર-3 મરીયમપુરા હુસેની પાર્ક સોસાયટીમાં ગટરલાઈનની સુવિધાઓ ઉપરાંત આ વિસ્તારમાં પાકા રસ્તા પણ નથી. આ અંગે આ વિસ્તારના લોકોએ વારંવાર રજૂઆતો કરી હતી છતાં પણ કોઈ પરિણામ ન મળતા આખરે આ વિસ્તારની 50થી વધુ મહિલાઓએ નગરપાલિકા કચેરીનો ઘેરાવો કરી ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી પાયાના પ્રશ્નોનું તાત્કાલિક સમાધાન કરવા જણાવ્યું હતું. તેમજ તાત્કાલિક ધોરણે જો આ પ્રશ્નોનું સમાધાન ન થાય તો નગરપાલિકા બહાર ધરણા કરવાની પણ મહિલાઓ ચીમકી ઉચ્ચારી હતી.
ચીફ ઓફિસરે કાર્યવાહી કરવાની આપી ખાતરી
આ અંગે મરીયમપુરા વિસ્તારના અગ્રણી મહંમદ એચ વોરાએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે અમો આઝાદી કાળથી આ વિસ્તારમાં ગટર અને રસ્તા વિના રહીએ છીએ. દરવર્ષે ચૂંટણીટાણે નેતાઓ વોટ લેવા અમારા વિસ્તારમાં આવે છે અને માત્ર ઠાલા વચનો આપી જતા રહે છે. જો અમારા પ્રશ્નોનું ટૂંક સમયમાં સમાધાન નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે નગરપાલિકા બહાર આંદોલન કરીશું. રહીશોએ આગામી ચૂંટણીથી પણ અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે ચીફ ઓફિસર જે.જી.ડાભીએ જણાવ્યું હતું કે મરીયમપુરા વિસ્તારની અરજી મળી છે જે અંગે અમો જે તે વિસ્તારની તપાસ કરી યોગ્ય ઝડપી કાર્યવાહી કરવા પ્રયત્નશીલ રહીશું.